મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ રાજદરબારમાં બેઠા હતા. તેમને એક કૂતરાના રોવાનો અવાજ સંભળાયો. ભગવાન શ્રીરામે પોતાના દૂતને બોલાવીને કહ્યું – આ કૂતરો કેમ રડે છે ? તપાસ કરો.
દૂતે જઈને જોયું કે કૂતરો પોતાના પગમાં વાગેલા ઘાને કારણે રડે છે. ભગવાન શ્રીરામને ખબર પડી તો તેઓ એ કૂતરા પાસે પહોંચ્યા અને તેને ઘાનું કારણ પૂછ્યું. કૂતરાએ કરુણ સ્વરમાં કહ્યું – ભગવાન ! એક સંન્યાસીએ મને પથ્થર મારીને ઘાયલ કરી દીધો છે. આપ રાજા છો, હું આપની પાસે ન્યાય માટે પોકાર કરું છું.
ભગવાન શ્રીરામે આરોપી સંન્યાસીને બોલાવ્યો અને તેને આ નિરીહ પ્રાણીને પથ્થર મારવાનું કારણ પૂછ્યું. સંન્યાસીએ જવાબ આપ્યો – રાજન્ ! આ કૂતરાએ મને ભિક્ષામાં જે અન્ન મળ્યું હતું, એમાં મોંઢું નાંખ્યું હતું એ કારણે મેં તેને દંડ દીધો.
ભગવાન શ્રીરામ બોલ્યા – અન્ન તરફ જવું તેનો સ્વભાવ છે, પરંતુ સંન્યાસી હોવાને નાતે ધર્મ તમારો સ્વભાવ છે. તમારે ધર્મથી વિપરીત આચરણ નહોતું કરવું જોઈતું. સંન્યાસીને પોતાની ભૂલ સમજાઈ અને તેનું પ્રાયશ્ચિત્ત પણ કર્યું.
યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૨૦૧૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6