બાટાનાકા એક મોચી હતો. બાર વર્ષની ઉંમરે તેના માબાપ ગુજરી ગયાં હતાં. તેનું જીવન જ જોડાં સીવવા સાથે પ્રત્યક્ષ સંકળાયેલું હતું એટલે તેણે સડકના કિનારે બેસીને જૂતાં સીવવાનું શરૂ કર્યું. તે ૧૨ જ વર્ષનો હતો છતાં તે લોકોના જૂતાં-ચંપલ એવાં સીવતો કે લોકો ખુશ થઈ જતા. તે જૂના જૂતાંને પણ નવા બનાવી દેતો.
લોકોએ કહ્યું, “બાટા તું અમને નવા જૂતાં સીવી આપ.” બાટાએ કહ્યું, “હું નવા જોડાં ક્યાંથી બનાવી આપું ? મારી પાસે ચામડું, રાંપી કે બીજો કોઈ સરસામાન નથી. મને જો એ બધો સરસામાન મળી જાય તો હું નવા જૂતાં બનાવી શકું.” લોકોએ કહ્યું, “સારું. એ બધો સરસામાન અમે તને લાવી આપીશું તું બૂટ સીવી આપજે.’’
લોકોએ સામાન લાવી આપ્યો. બાટાએ જોડાં બનાવી આપ્યાં. લોકોનાં જૂતાં છ મહિનાને બદલે વરસ-વરસ ચાલવા માંડ્યાં. લોકોએ પોતાના પરિચિતોને કહ્યું, ”જો તમારે ટકાઉ, મુલાયમ અને સારા બૂટ પહેરવા હોય તો બાટાની દુકાને જાવ” અને આમ કરતાં કરતાં આજે બાટાની દુકાન એવા મુકામે પહોંચી ગઈ છે કે, ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં બાટાના બૂટ પ્રખ્યાત થઇ ગયા છે. કોઈ પણ શહેર કે ગામમાં જાવ, બાટાની દુકાન અચૂક જોવા મળશે.
હું એકવાર અમેરિકા ગયો હતો. ત્યાં પણ ઠેકઠેકાણે બાટાના જ બૂટ જોવા મળ્યાં. ભારત, અમેરિકા, દુનિયાભરમાં બધે જ બાટા બાટા. આફ્રિકાના ગામડાંઓમાં પણ મેં બાટાની દુકાન જોઈ છે. બાટા ભારતમાં જ નહીં, આફ્રિકામાં પણ છવાઈ ગયું છે. મેં મારી સગી આંખે જોયું છે. બાટાનું નામ કરોડપતિ ઉદ્યોગપતિઓમાં માનથી લેવાય છે.
મિત્રો ! પૈસો કઈ રીતે આવે છે ? પૈસો જાતને રગદોળવાથી આવે છે. મહેનતથી આવે છે. બસ જાતને રગડે જ રાખો. યોગ્યતા વધારવાનો પ્રયત્ન કરો.
ધનથી માંડીને પ્રતિભા કે પ્રતિષ્ઠાના કોઈપણ ક્ષેત્રમાં તમે જાવ, સફળતા માત્ર મહેનત કરનારને જ મળતી હોય છે.
પં. શ્રીરામ શર્મા આચાર્ય
યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૧૯૯૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6
અમારી વેબસાઈટ સાથે જોડાઓ અને પામો રોચક, પ્રેરણાત્મક પ્રસંગો અને આત્મસુધાર કરે તેવા વિચારો.
www.swadhyay.awgp.org