રાજા સુરથ હિમવાન નામના રાજ્યનો રાજા હતો. તેનું મન બહુ કોમળ હતું.
એક વાર તેણે એક અપરાધીને કોઈક કારણસર દંડ કર્યો તો તેને દંડ પામતો જોઈને તેમનું મન વિક્ષુબ્ધ થઈ ઊઠ્યું. રાજા હોવાથી દંડ તો દેવો જ પડશે એમ વિચારીને તે રાજ્ય છોડીને તપશ્ચર્યા માટે નીકળી પડ્યો.
એક દિવસ વનમાં તપસ્યા કરતાં તેમણે જોયું કે એક બાજ પોતાના પંજામાં પોપટના બચ્ચાંને લઈ જઈ રહ્યું છે. કરુણાવશ તેમણે એક પથ્થર બાજને માર્યો જેનાથી પોપટનું બચ્ચું તો બચી ગયું પણ બાજના પ્રાણ નીકળી ગયા. પોતાના હાથે ફરી હિંસા થતી જોઈને તેમનું મન કંપી ઊઠ્યું.
તે વખતે મહામુનિ માંડવ્ય ત્યાં આવી પહોંચ્યા. તેમણે રાજાની મનોવ્યથા જાણી લીધી. તેમણે રાજાને કહ્યું – રાજન્ ! જો ન્યાય ન કરવામાં આવે, કઠોરતા રાખવામાં ન આવે તો દુરાચારી લોકો સજ્જનો પર આતંક સ્થાપી દેશે અને અધર્મની બોલબાલા થશે. એટલા માટે આપના મનમાંથી આ ભાવ કાઢીને તમે નિષ્કામ ભાવે પ્રજાની સેવા કરો. જો કોઈના પ્રત્યે વ્યક્તિગત વેરભાવથી તમે તેને દંડ નથી આપી રહ્યા તો તે હિંસામાં ગણાશે નહિ. રાજા હોવાને નાતે રાજ્યમાં સુશાસન સ્થાપિત કરવાની પણ તમારા માટે એક પ્રભુએ સોંપેલી જવાબદારી છે.
રાજા સુરથને મુનિ માંડવ્યનું કથન સમજાઈ ગયું. તેઓ ફરીથી રાજ્યમાં પાછા આવ્યા અને તેમણે પોતાને નિષ્કામ ભાવે પ્રજાની સેવામાં લીન કરી દીધા.
યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૨૦૧૫
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6