એક વાર મહારાજા અશોકના રાજ્યમાં દુકાળ પડયો. જનતા ભૂખ-તરસથી ત્રાસી ગઈ. રાજાએ તરત જ રાજ્યમાં અન્નના ભંડારો ખોલાવી દીધા. સવારથી લેનારાની લાઈન લાગતી અને સાંજ સુધી રહેતી.
એક દિવસ સાંજ થઈ ગઈ. જ્યારે બધા લેનારા લઈને ગયા તો એક દૂબળો-પાતળો વૃદ્ધ ઊઠ્યો અને તેણે અનાજ માગ્યું. વહેચનારાઓ પણ થાકી ગયા હતા, આથી તેમણે ધમકાવીને કહ્યું, “કાલે આવજે. આજે તો ધર્માદા કરવાનું બંધ થઈ ગયું.”
ત્યારે જ એક હ્રષ્ટપુષ્ટ નવયુવક ત્યાં આવ્યો અને વહેંચનારાઓને કહ્યું, “બિચારો વૃદ્ધ છે. હું જોઈ રહ્યો છું કે તે ક્યારનો બેઠો છે. શરીરે દુર્બળ હોવાના કારણે બધાથી પાછળ રહી ગયો. તેને અનાજ આપો.”
તેની વાણીમાં કંઈક એવો પ્રભાવ હતો કે વહેંચનારાએ તેને અનાજ આપી દીધું. એ નવયુવકની મદદથી તેણે પોટલું બાંધ્યું, પણ હવે ઊપડે કેવી રીતે ? ત્યાં જ એ યુવક બોલ્યો,‘લાવો, હું જ પહોંચાડી આપું.’ અને પોટલું ઉપાડીને પાછળ-પાછળ ચાલવા લાગ્યો.
વૃદ્ધનું ઘર થોડુંક આઘું હતું ત્યાં સૈનિકોની એક ટુકડી ત્યાંથી પસાર થઈ. ટુકડીના નાયકે ઘોડા પરથી ઊતરીને લશ્કરી સલામ ભરી. તે વ્યક્તિએ સંકેતથી આગળ કાંઈ ન બોલવા કહ્યું. તેમ છતાં વૃદ્ધને કંઈક સમજાઈ ગયું. તે ત્યાં જ ઊભો રહી ગયો અને બોલ્યો, “આપ કોણ છો, સાચેસાચું કહો,‘’
તે યુવકે કહ્યું, “હું એક નવયુવાન છું અને તમે વૃદ્ધ છો, દુર્બળ છો. બસ, આનાથી વધારે પરિચય નકામો છે. ચાલો, બતાવો તમારું ઘર કયાં છે ?” પણ અત્યાર સુધીમાં વૃદ્ધને પૂરેપૂરી ઓળખાણ પડી ગઈ હતી. તે પગમાં પડી ગયો અને ક્ષમા માગતાં મહામુસીબતે બોલ્યો, “પ્રજાપાલક ! આપ સાચા અર્થમાં પ્રજાપાલક છો.’
યુગ શક્તિ ગાયત્રી, ઑગસ્ટ ૨૦૦૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6