બે મિત્રો બાળપણમાં એક સાથે રમ્યા અને મોટા થયા. ભણવામાં પણ તેઓ આગળ રહેતા હતા. એક ધનવાનનો છોકરો હતો. એને ગમે તેટલો ખર્ચ કરવાની છૂટ હતી. બીજો ગરીબ પણ સંસ્કારી કુટુંબનો હતો. તે હંમેશા મર્યાદિત ખર્ચે કરતો. ઘનિક મિત્ર સાથે રહયો ત્યાં સુધી તેને ખોટો ખર્ચ કરવા માટે કહેતો, પણ એણે એ વાત માની નહિ. બીજી વાતો માટે સલાહ લેતો અને માર્ગદર્શન પણ આપતો કે ગમે તેટલું અપાર ધન હોય છતાં બીન જરૂરી ખર્ચ કરવો જોઈએ નહિ.
સમય જતાં બંને છૂટા પડયા. ગરીબ મિત્રે અધ્યાપકની નોકરી સ્વીકારી અને ધનવાન મિત્રે વેપાર શરૂ કર્યો. દસ વર્ષ પછી બંને જણ એકાએક એક દવાખાનામાં ભેગા થયા. ધનવાન પોતાનું ધન ગુમાવી બેઠો હતો-બીજાં દુર્વ્યસનોને લીધે કાળજું ખરાબ થવાથી દવાખાનામાં સારવાર માટે દાખલ થયો હતો.
બીજી બાજુ તેનો મિત્ર એક વિધાલયનો પ્રિન્સીપાલ હતો. પતિ પત્નિ અને એક બાળક મર્યાદિત ખર્ચમાં નિર્વાહ કરતાં હતાં. આનંદ અને ઉલ્લાસભર્યું જીવન જીવતાં હતાં. બંનેએ એક બીજાની વાતો સાંભળી. ધનિક મિત્રની આંખમાંથી આંસુ નીકળી પડયાં-‘“ મિત્ર ! મેં તારું કહયું માન્યું હોત તો આજે મારી આ સ્થિતિ ના હોત. બિન જરૂરી ખર્ચ કરવાની ટેવને લીધે મારે આ દુઃખ ભોગવવું પડે છે.” બીજાએ સહાનુભૂતિ બતાવી અને શકય એટલી આર્થિક મદદ કરીને નવેસરથી જીવન જીવવા યોગ્ય બનાવ્યો.
યુગ શક્તિ ગાયત્રી, ઓક્ટોબર ૧૯૯૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6