એક ગીધ હતું. તેના માતાપિતા આંધળા હતા. સમગ્ર કુટુંબ પર્વતની એક ગુફામાં રહેતું હતું. ગીધ રોજ સવારે સૂર્યોદય થતાં જ નીક્ળી જતું, પોતાનું પેટ ભરતું અને પોતાના માતાપિતા માટે માંસના ટુકડાં શોધી શોધીને લાવતું. આ રોજનો ક્રમ હતો.
એક દિવસ નદી કિનારે ગીધ શિકારીએ નાખેલી જાળમાં ફસાઈ ગયું. તે ખૂબ તરફડિયા મારવા લાગ્યું પરંતુ તેના બધા પ્રયત્નો વ્યર્થ ગયા. તેને જાળમાં સપડાવા કરતાં વૃદ્ધ માતાપિતાની ભૂખની વધારે ચિંતા હતી. તે જોરશોરથી રડવા લાગ્યો.
પારધીનું ધ્યાન તે તરફ ગયું. તેણે જઈને પૂછ્યું કે બીજા ગીધ તો આટલો વિલાપ કરતાં નથી તું શા માટે આટલું બધું રડે છે ?
ગીધે પોતાની દુ:ખભરી કથા સંભળાવી. પારધીએ ટોણો માર્યો અને કહ્યું કે, “ગીધોની નજર તો એટલી તેજ હોય છે કે સો માઈલ દૂર આકાશમાંથી પણ જમીન પર પડેલી મરેલી ચીજોને જોઈ શકે છે. તો તને તો આ નજીકમાં પાથરેલી જાળ પણ ન દેખાઈ ? આમ કેમ ? આ વાત મારી સમજમાં આવતી નથી.”
ગીધે કહ્યું, પારધી ભાઈ ! જ્યાં સુધી બુદ્ધિની લગામ આપણાં હાથમાં હોય છે ત્યાં સુધી કોઈ છળકપટમાં ફસાઈ જવાતું નથી, પરંતુ જ્યારે બુદ્ધિ પર લોભનો અધિકાર થાય છે ત્યારે તે પોતે તો રસ્તો ભૂલી જાય છે અને પોતાના સાથીઓને પણ ડૂબાડે છે. સમગ્ર જિંદગી પર્યંત માંસના ટુકડા પાછળ ભટકવાને કારણે મારી નજરમાં માંસના ટુકડા જ સર્વસ્વ બની ગયા છે. તેના સિવાય મને બીજું કંઈ દેખાતું નથી. સંકુચિત દૃષ્ટિને કારણે સાચો રસ્તો ભૂલી જવાય છે. તેના કારણે જ મને જાળ દેખાઈ નહીં. પરંતુ હવે જ્ઞાન પ્રાપ્ત થવાથી શું લાભ ? કરેલા કર્મોના ફળ તો ભોગવવા જ પડે છે.
પારધી ગીધની વાત સાંભળી પ્રસન્ન થયો. તેણે કહ્યું, ગીધરાજ, જાઓ હું તમને છોડી મૂકું છું. જઈને આંધળા માબાપની સેવા કરો. તમે મારી આંખો આજે ખોલી નાખી છે.”
આવી જ ભૂલ મનુષ્ય પોતાના જીવનમાં પણ કરે છે. જે પહેલા ચેતી જાય છે તે જીવતેજીવ પોતાની જવાબદારીઓમાંથી મુક્ત થઈ જાય છે.