રાતે વહેલા સૂઈ, વહેલા ઊઠે વીર, બળ, બુદ્ધિ અને ધન વધે, સુખમાં રહે શરીર.”
આનો અર્થ એ છે કે રાત્રે વહેલા સૂઈ જઈને સવારે વહેલા જાગવાથી માણસ સ્વસ્થ, સમૃદ્ધ અને જ્ઞાનવાન બને છે, પરંતુ આજે આ બધું ભુલાઈ ગયું છે. ઘણા લોકો ટી.વી. જોવાના કારણે મોડા સૂએ છે, તો ઘણા મોડી રાત સુધી મોબાઈલમાં રચ્યાપચ્યા રહે છે. માણસ રાત્રે જો મોડેથી સૂએ તો સ્વાભાવિક છે કે સવારે તે મોડો જ ઊઠે.
પ્રાત:જાગરણને આપણાં શાસ્ત્રોમાં બ્રહ્મમુહૂર્ત કહેવામાં આવ્યું છે. તે જાગવા તથા ઊઠવા માટે સર્વશ્રેષ્ઠ સમય છે. તે વખતે બધાં પ્રાણીઓ ઊંઘતાં હોય છે, પરંતુ બ્રહ્મતત્ત્વ સચેતન હોય છે. એ સમયે ઊઠી જવાથી આપણને તે ઈશ્વરીય શક્તિનો લાભ વધારેમાં વધારે મળે છે. આપણા બળ, બુદ્ધિ, વિદ્યા, આરોગ્ય, સૌંદર્ય વગેરેમાં વૃદ્ધિ થાય છે.
સૂર્યોદયથી દોઢ કલાક પહેલાંના સમયને બ્રહ્મમુહૂર્ત કહેવાય છે. તે વખતે વાતાવરણમાં એક નવી સ્ફ્રુતિ તથા તાજગી હોય છે. સમગ્ર વાતાવરણ શાંત તથા નીરવ હોય છે. રાત્રે ઊંઘ તથા વિશ્રામ મળવાથી આપણું મન શાંત, પ્રસન્ન તથા સક્રિય હોય છે. પૂજા ઉપાસના તથા સાધના માટે આ સમય સર્વોત્તમ છે. દરેક સમજદાર તથા બુદ્ધિશાળી વ્યક્તિ એ સમયનો સદુપયોગ કરીને તેનો પૂરેપૂરો લાભ લે છે. પ્રાતઃકાળે મન સ્વાભાવિક રીતે જ ધ્યાનમાં લાગી જાય છે.
સંદર્ભ: યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર- ૨૦૨૧
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6