સદ્ગુણો, સત્પ્રયાસો અને આદર્શોના સમન્વયને ભગવાનનું નામ અપાય છે. એક ભગવાન તો એ છે કે જે સમગ્ર વિશ્વની સંભાળ રાખે છે જેને આપણે નિયામક સત્તાના રૂપે ઓળખીએ છીએ. એક ભગવાન એ છે કે જે વિશ્વવ્યાપી છે, વિશ્વવ્યાપી ભગવાનનો લાભ ઉઠાવવાની એક શરત છે કે આપ તેના કાયદાનું પાલન કરો અને ફાયદો મેળવી લો. કાયદાને તોડશો તો દંડ થશે, નુકસાન થશે અને માર ખાવો પડશે. એ ભગવાન તો મનુષ્યના માટે ન્યાય અને નિયમન સિવાય કશું જ નથી કરતો, પરંતુ જે આપણને વ્યક્તિગત રીતે સહાયતા કરે છે તે છે આપણી “સુપર કૉશિયસનેસ” આપણો અંતરઆત્મા. અંતરઆત્માને જ પરમાત્મા કહેવામાં આવે છે.
ગુણ, કર્મ અને સ્વભાવની વિશેષતાનું નામ જ પરમાત્મા છે. તેને જ અંતરઆત્મા કહે છે. આપ સ્વયંને એની સાથે જોડી દો. એકતા સાધો. આજ સુધી તમારો સંબંધ કુસંસ્કારોની સાથે રહ્યો હોય, અસુરતાની સાથે રહ્યો હોય તે શક્ય છે, ધુતારા અને કપટીઓની સાથે રહ્યો હોય તે શક્ય છે. ચારે બાજુ જે વાતાવરણ ડહોળાઈ ગયું છે, તે અધોગતિ સિવાય બીજું શું આપી શકશે ?
આપે જે સ્વભાવ બનાવ્યો છે તે ઘૃણા, તિરસ્કાર, કપટ સિવાય બીજું શું શીખવી શકે તેમ છે ? આપ ચારેબાજુ માનવપશુ કે જેણે દેહ માનવનો ધારણ કર્યો છે, પરંતુ કાર્યો પશુ જેવાં કરે છે એવા પિશાચોથી આપ ઘેરાઈ ગયા છો. આપ થોડા દિવસ માટે આવા સમુદાયમાંથી બહાર નીકળી જાઓ અને એવા લોકોના સમુદાયમાં જોડાઈ જાઓ કે જેનાથી આપની પ્રગતિ થવાની, ઊંચા ઊઠવાની સંભાવના વધે. ઋષિઓની સાથે સંબંધ બાંધો, સંતોની સાથે સંબંધ બાંધો, દેવતાઓની સાથે સંબંધ બાંધો, ભગવાનની સાથે સંબંધ બાંધો.
શું આ બધું છે ? ચોક્કસ છે અને તે તમારી સાથે જ છે. બસ, આપ તેને જોઈ શકતા નથી. હવે આપ આ મહાનતાની સાથે જોડાઈ જાઓ. આદર્શોની સાથે જોડાઈ જાઓ. તે જ ભગવાન સાથેનું જોડાણ છે. ભગવાન કોઈ માણસ નથી, તેને તો આપણે એવો માની લીધો છે. ભગવાન વાસ્તવમાં સિદ્ધાંતોનું નામ છે, આદર્શોનું નામ છે અને શ્રેષ્ઠતાઓના સમુદાયનું નામ છે. સિદ્ધાંતો માટે, આદર્શો માટે મનુષ્યનો જે ત્યાગ છે, બલિદાન છે, એ જ ભગવાનની ભક્તિ છે. દેવત્વ પણ તેને જ કહેવામાં આવે છે.
- પં શ્રીરામ શર્મા આચાર્ય
યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૨૦૦૦
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6