Home year2000 ભવનનું અભિમાન

ભવનનું અભિમાન

by Akhand Jyoti Magazine

Loading

બીજો એક માણસ છે. એ કહે છે – મારું ઘર ખૂબ આલીશાન છે. લાખો રૂપિયા ખર્ચીને મેં બનાવ્યું છે. એમાં મારો સામાન, કપડાં, ફર્નિચર, વાસણો વગેરે બધો જ સામાન રાખેલો છે. હું મારા ભાઈને એનો ભાગ આપીશ નહીં, કેમ કે આ ઘર મારું છે. હું દર વર્ષે એનું રંગરોગાન, સફાઈ કરું છું, કરાવું છું, તૂટફૂટ થયેલ જગ્યાનું સમારકામ કરાવું છું, વરસોથી તેનું રક્ષણ કરું છું. આ ઘરમાં હું કોઈને વસવા નહીં દઉં, આ મને ખૂબ જ વહાલું છે, આના ઉપર બીજા કોઈનો હક નથી. એક દિવસ રાત્રે એ પોતાના ધાબા પર ઊભો રહી બહારની દુનિયા જોઈ રહ્યો હતો. પાસે જ એક ખંડેર હતું. એમાંથી ધીમેથી અવાજ આવી રહ્યો હતો. સ્વર ખૂબ મીઠો લાગ્યો, એ માણસ ધ્યાનથી ખંડેરની વાત સાંભળવા લાગ્યો.

ખંડેર કહી રહ્યું હતું – મને જો, હું પણ એક વખત તારા મહેલની જેમ જ ઊંચો હતો, મારા શણગારથી લોકોની આંખો પહોળી થઈ જતી હતી, મારા આંગણામાં ખૂબ અવરજવર રહેતી હતી. મેં ઘણાં હાસ્યવિનોદ જોયાં છે, પરંતુ જ્યારથી મારો સ્વામી મરી ગયો ત્યારથી કોઈએ મારા તરફ ધ્યાન ન આપ્યું. ઉપેક્ષાએ મને આ સ્થિતિમાં પહોંચાડી દીધું છે.

મૃત્યુનું નામ સાંભળતાં જ માણસનો આત્મા કંપી ગયો. એ વિચારવા લાગ્યો – અત્યાર સુધી આ ઘરને કેટલાય લોકો પોતાનું કહી ચૂક્યા હશે. જે પાયા પર આ ઊભું છે તેના પર કેટલાંય મકાન થઈ ગયાં હશે. આગળ ન જાણે કોણ આમાં રહે કે આ પણ ખંડેર બની જાય ? તે દિવસથી એણે મકાનનો અહંકાર છોડી દીધો. પોતાના ઘરના લોકોને પણ ભાગ આપી દીધો. હવે એણે સમજી લીધું છે કે આ મકાન થોડા દિવસ વિશ્રામ કરવા માટે મળ્યું છે, આગળની યાત્રામાં કોણ જાણે કયું મકાન મળે, ક્યાં રહેવું પડે ?

યુગ શક્તિ ગાયત્રી, મે ૨૦૦૦

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like