વાત એ દિવસોની છે જ્યારે આપણા દેશમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન મજબૂત થતું જઈ રહ્યું હતું. અંગ્રેજો પોતાને ભારતીયોથી ઊંચા માનવા લાગ્યા હતા. તેમની સાથે નિરંતર ખરાબ વ્યવહાર કરવો એ તેમની દિનચર્યા થઈ ચૂકી હતી. તેમની સામે કોઈ પણ હિંદુસ્તાની પાલખી કે ઘોડા પર સવારી કરી શકતો ન હતો.
એક દિવસ રાજા રામમોહન રાય એક પાલખીમાં બેસીને ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તામાં કલેક્ટર હૈમિલ્ટન ઊભો હતો. તેને જોઈને પણ રાજા રામમોહન રાય પાલખીમાંથી નીચે ન ઊતર્યા. આ જોઈને હૈમિલ્ટન ક્રોધથી રાતોચોળ થઈ ગયો. તેને એ અસહ્ય લાગ્યું કે એક હિંદુસ્તાની તેની સામેથી પાલખીમાં બેસીને પસાર થાય. તેણે તેમની પાલખીને અટકાવી. રાજા રામમોહન રાય ઊતરીને આવ્યા અને તેમણે કલેક્ટર હૈમિલ્ટનને પૂછ્યું કે શું વાત છે ? હેમિલ્ટન ગુસ્સામાં બેકાબૂ બની ગયો અને તેમને ગમે તેમ સંભળાવવા લાગ્યો. તે વખતે રાજા રામમોહન રાયને વાતને વધારવાનું યોગ્ય ન લાગ્યું એટલે તેઓ તેની ઉપેક્ષા કરીને પાલખીમાં પાછા બેસી ગયા અને આગળ વધ્યા.
તેમણે આ વાતની ફરિયાદ લૉર્ડ મિન્ટોને કરી. લૉર્ડ મિન્ટોએ હૈમિલ્ટનને મામૂલી ચેતવણી આપીને વાત પૂરી કરી દીધી પણ રાજા રામમોહન રાયને આટલાથી સંતોષ ન થયો. તેમના મિત્રોએ તેમને વાત અહીં જ ખતમ કરી દેવાનું સૂચન કર્યું. રાજા રામમોહન રાય બોલ્યા – આ ભારતના સ્વાભિમાનનો મુદ્દો છે. જો તેમના આ ભેદભાવનો વિરોધ કરવામાં નહિ આવે તો આ સમસ્યા વધતી જ જશે.
તેમણે હિંદુસ્તાનીઓ સાથે અંગ્રેજો દ્વારા કરવામાં આવતા ખરાબ વર્તન વિરુદ્ધ કાનૂન બનાવવાનો દંઢ નિશ્ચય કર્યો અને પછીથી પોતાના અથક પ્રયાસોથી એક એવો કાનૂન બનાવી શકવામાં સફળ પણ થયા.
યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૨૦૧૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6