વર્ષો પહેલાં જ્યારે સ્વામી વિવેકાનંદ વિદેશથી ભારત પાછા આવ્યા ત્યારે લોકોએ તેમને પ્રશ્ન પૂછ્યો કે તમે પશ્ચિમના દેશોમાં ફર્યા એનાથી એ દેશોના લોકોને તો લાભ થયો, પરંતુ એનાથી આપને શો લાભ થયો? એ પ્રશ્નના જવાબમાં સ્વામી વિવેકાનંદે કહ્યું કે મને વિદેશ જવાનો સૌથી મોટો લાભ એ થયો કે પહેલાં ભાવનાશીલ બનીને જે વાતોને હું સાચી માનતો હતો એમને હવે હું પ્રમાણોના આધારે સાચી માનું છું.
તેમણે કહ્યું કે હું જ્યારે નાનો હતો ત્યારે બધા કહેતા હતા કે ભારત એક પવિત્રભૂમિ છે, તો હું પણ એ વાતને સાચી માની લેતો હતો. હું વર્ષો સુધી માતૃભૂમિથી દૂર વિદેશોમાં રહ્યો એના આધારે હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે આ વાત સંપૂર્ણ સાચી છે. આપણા ભારત દેશમાંથી જ સમગ્ર વિશ્વને પ્રકાશિત કરનાર જ્ઞાનનો પ્રવાહ અવશ્ય વહેશે.
ઘણાં વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદે જે વાત કહી હતી તે અક્ષરશઃ સાચી છે. જો આ દેશમાંથી યોગ, તપ, ધ્યાન, જ્ઞાન, તત્ત્વદર્શન અને દિવ્યપ્રકાશનો પ્રવાહ ન વહ્યો હોત તો માનવજીવનને ગૌરવશાળી બનાવનારી મેધાનો જન્મ જ ન થયો હોત.
સમગ્ર વિશ્વને સંસ્કૃતિ તથા સભ્યતાની ભેટ જો કોઈ દેશ તરફથી મળી હોય તો તે ભારત જ છે.
વાસ્તવમાં ભારત એક દેશ જ નથી, તે એક મહાન સંસ્કૃતિ છે.
યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર ૨૦૨૨
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6