મહર્ષિ કણાદ કેવળ કણ વીણીને પોતાનું ગુજરાન ચલાવી હતા એટલા માટે એમનું નામ કણાદ પડી ગયું. ખેડૂત જ્યારે લણી લેતો હતો, ત્યાર પછી જે અનાજના કણ જમીન પર પડી હતા, તેને જ વીણી લઈને તેઓ પોતાનું જીવન ચલાવતા હતા.
તે દેશના રાજાને તેમના અભાવની ખબર પડી. તેમણે પોતાના મંત્રીને પ્રચુર ધનસામગ્રી લઈને તેમને પાસે મોકલ્યા. આ બધું લઈને મંત્રી ગયા તો મહર્ષિએ કહ્યું – “હું સકુશળ છું. આ ધન તમે જેમને જરૂર હોય એમને વહેંચી દો.” આવું ત્રણ વાર થયું.
અંતે રાજા પોતે ઘણું બધું ધન લઈને તેમને મળવા ગયા. તેમણે મહર્ષિને એ સંપદાનો સ્વીકાર કરવાની પ્રાર્થના કરી, પરંતુ તેમણે પહેલાંની જેમ જ કહ્યું – “જેમની પાસે કાંઈ જ નથી, તેમને આપી દો. જુઓ, મારી પાસે બધું જ છે.” રાજાએ ચકિત થઈને તેમની સામે જોયું. જેના શરીર પર ફક્ત એક લંગોટી જ છે, તે કહી રહ્યો છે કે તેની પાસે બધું જ છે, પરંતુ તેમણે મહર્ષિને કાંઈ કહ્યું નહિ. હા, પાછા ફરીને તેણે બધી કથા રાણીને કહી.
રાણી વિવેકવાન અને વિચારસંપન્ન હતી. તેણે કહ્યું – “આપે ભૂલ કરી છે. ઋષિ પાસે તેમને કાંઈ આપવા માટે નહિ, પરંતુ તેમની પાસેથી કાંઈક લેવા જવું જોઈએ. જેની પાસે ભીતરની સંપદા છે, તે જ બધી સંપદાને છોડવામાં સમર્થ હોય છે.” પોતાની રાણીની વાત સાંભળીને એજ રાત્રે રાજાએ જઈને મહર્ષિ પાસે જ્ઞાનની યાચના કરી.
આ જોઈને મહર્ષિએ કહ્યું – “રાજન ! સંપદા બહાર પણ છે અને ભીતર પણ. બહારની સંપદા મળવાથી તેનું ખોવાવાનું સુનિશ્ચિત છે પરંતુ ભીતરની સંપદા મળી જવાથી તે સદાય જળવાઈ રહે છે. તેને મેળવી લીધા પછી બીજું મેળવવાનું બાકી રહી જતું નથી.’’
યુગ શક્તિ ગાયત્રી, ઑગસ્ટ ૨૦૧૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6