એક વ્યક્તિ સૂમસામ રાત્રે સ્મશાન પાસેથી પસાર થાય છે. એના મનમાં કોઈ શંકા નથી, તારલાઓની સુંદરતાને નિહાળતો, રાત્રિની શાંતિ અને શીતળતા અનુભવતો મસ્તીથી સૂરમાં ગાતો ત્યાંથી નીકળી જાય છે.
પરંતુ બીજી વ્યક્તિ એ જ રસ્તે જાય છે ત્યારે સ્મશાનમાં ભૂત ફરતાં જુએ છે, ઝાડીઓમાંથી ડાકણો, ચૂડેલો એને જોતી હોય એવું લાગે છે, ભયથી એના હાથ પગ ધ્રૂજવા લાગે છે, મોઢું સુકાઈ જાય છે, દ્રષ્ટિ ચૂકી જવાથી ઝાડનાં ઠૂંઠા સાથે અથડાઈ જાય છે. ભૂતના આક્રમણનું પ્રત્યક્ષ દૃશ્ય જોતો હોય એવું લાગે છે. એ બીમાર થઈ જાય છે. મહિનાઓ સુધી ખાટલામાં પડયો રહે છે, મહામહેનતે સારો થઈ શકે છે અથવા મરી જાય છે.
રસ્તો એ જ હતો, રાત પણ એ જ હતી, એક વ્યક્તિ ખુશીથી એ જ રસ્તે નીકળી ગઈ. બીજી વ્યક્તિને જાનનું જોખમ થયું. આવી ભિન્નતા કેમ થઈ ? આનું કારણ બન્ને વ્યક્તિઓની માનસિક સ્થિતિ હતી, જેના મનમાં ભય ઉત્પન્ન થયો, એ ભયે ભૂતની જેમ એની છાતી પર ચઢી બેઠો અને એના માટે પ્રાણનું સંકટ ઊભું થયું.
ગીતામાં કહ્યું છે કે મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર અને શત્રુ છે. મનુષ્ય પોતે પોતાની જેટલી સહાય કરી શકે છે, તેટલી કોઈ મિત્ર નથી કરી શકતો. એ જ રીતે પોતાની જાત સાથે જેટલી શત્રુતા કરી શકે છે, તેટલી શત્રુતા કોઈ મનુષ્ય નથી કરી શકતો. પોતાની કલ્પનાશક્તિ, વિચાર અને વિશ્વાસના આધારે મનુષ્ય પોતાની એક દુનિયાને વિકસાવી શકે છે. એ જ દુનિયા અને વાસ્તવિક સુખ-દુઃખ દર્શાવ્યા કરે છે.
યુગ શક્તિ ગાયત્રી,જાન્યુઆરી ૧૯૯૯
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6