વિશ્વવિજયનો સ્વપ્રનદ્રષ્ટા હિટલર પોતાની વિશાળ સેના સાથે આંધી-તોફાનની જેમ આગળ વધી રહ્યો હતો. નાના-નાના દેશો સંઘર્ષ કર્યા વિના ભયવશ સમર્પણ કરતા જઈ રહ્યા હતા.હિટલરે હૉલેન્ડ પર આક્રમણનો આદેશ આપી દીધો હતો. એ દિવસોમાં હૉલેન્ડને ગરીબીના ભયંકર તબક્કામાંથી પસાર થવું પડી રહ્યું હતું. પછાતપણું અને ગરીબીનું એક મુખ્ય કારણ એ હતું કે હૉલેન્ડની જમીન સમુદ્રની સપાટીથી નીચી છે. એટલા માટે હૉલેન્ડવાસીઓએ દીવાલો બનાવીને સમુદ્રની લહેરોથી સુરક્ષા કરવી પડતી હતી. તેમની પાસે ન સેના હતી, ન શસ્ત્ર હતાં. જર્મન સેનાએ વિચાર્યું કે હૉલેન્ડને તો ગણતરીની પળોમાં જીતી શકાય છે. આવું વિચારીને જર્મન સેનાએ હુમલો કરી દીધો.
આ સંકટ સામે ઝઝૂમવા માટે હૉલેન્ડવાસીઓએ નિર્ણય કર્યો કે સમર્પણ કરી દેવા અને ગુલામી સ્વીકારી લેવા કરતાં તો બહાદુરોની જેમ લડતાં લડતાં મરી જવું વધુ સારું. આખા દેશમાં ઘોષણા કરાવી દેવામાં આવી કે જે કોઈ ગામમાં જર્મન સેનાનો હુમલો થાય, તે ગામની દીવાલ તોડી નાંખવી. આ રીતે સમુદ્રના પાણીથી ગામ ડૂબવાની સાથે સાથે જર્મન સેના પણ ડૂબી જશે. ત્રણ ગામો આ રીતે ડૂબી ગયાં.હૉલેન્ડને નુક્સાન તો થયું પરંતુ જર્મન સેનાને પણ ભયંકર નુક્સાન ભોગવવું પડ્યું. તેમનું મનોબળ તૂટી ગયું. હિટલરે સેનાને પાછા ફરી જવાનો આદેશ આપ્યો. વાસ્તવમાં અસ્ત્ર-શસ્ત્રથી મોટી શક્તિ મન અને આત્માની હોય છે.
યુગ શક્તિ ગાયત્રી, ઓગસ્ટ ૨૦૧૭