રાજાના દરબારમાં એક વૃદ્ધ પહોંચ્યો અને બોલ્યો, “ભગવન્ ! હું આપનો મસિયાઈ ભાઈ છું. ક્યારેક હું પણ આપના જેવો હતો. ૩૨ નોકરો હતા, એક પછી એક ચાલ્યા ગયા. બે મિત્ર હતા, તેઓ પણ સાથ આપતાં ખચકાવા લાગ્યા. બે ભાઈ છે, તે ખૂબ મુશ્કેલીથી થોડું ઘણું કામ કરે છે. પત્ની પણ ઊંધાચત્તા જવાબ આપે છે. મારી મુસીબત જોતાં જો આપ કંઈક મદદ કરી શકો તો સારું.
રાજાએ તેને આદર સહિત રૂપિયાની થેલી આપી. સભાસદોએ આશ્ચર્યથી પૂછ્યું, “આ દરિદ્ર આપનો મસિયાઈ ભાઈ કેવી રીતે હોઈ શકે ?”
રાજાએ કહ્યું, “તેણે મને મારાં કર્તવ્યોનું જ્ઞાન કરાવ્યું છે, તેના મોમાં મારી જેમ ૩૨ દાંત હતા. જે પડી ગયા. બે પગ મિત્ર હતા, તે ડગમગી ગયા. બે ભાઈ હાથ છે, જે અશક્ત હોવાને કારણે થોડું ઘણું જ કામ કરે છે. બુદ્ધિ તેની પત્ની હતી, જે હવે સાઠે બુદ્ધિ નાસી ગઈ છે. કંઈનો કંઈ જવાબ આપે છે. મારી મા અમીરી અને તેની મા ગરીબી છે. આ બંને બહેનો છે, એટલે અમે બન્ને ભાઈ છીએ. વૃદ્ધનું કહેવું ખોટું નથી.”
આ સંકેતોમાં રાજાએ પોતાના માટે એક સંદેશ વાંચ્યો અને પોતાનો બાકીનો સમય સત્કાર્યોમાં, પ્રજાજનોના કલ્યાણ માટે ફાળવવાનો સંકલ્પ કર્યો.
યુગ શક્તિ ગાયત્રી, મે ૨૦૦૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6