એક સદગૃહસ્થ લુહાર હતો. મહેનત અને કૌશલ્યથી કુટુંબનું પાલનપોષણ સારી રીતે કરી લેતો હતો. તેના પુત્રને વધુ ખર્ચ કરવાની ટેવ પડી ગઈ. પિતાએ પુત્ર પર પ્રતિબંધ મૂક્યો, તું સ્વયં મહેનત કરીને એકાદ રૂપિયો પણ કમાઈને લાવે તો તને ખર્ચ માટે રકમ મળશે, અન્યથા મળશે નહીં.
છોકરાએ પ્રયત્ન કર્યો, નિષ્ફળ જતાં પોતાની બચતનો એક રૂપિયો લઈને પહોંચ્યો. પિતા ભઠ્ઠીની પાસે બેઠા હતા. તેમણે હાથમાં રૂપિયો લઈને જોયું અને કહ્યું, “આ તારી કમાણી ગણાય નહીં.” આમ કહીને તેને આગમાં ફેંકી દીધો. છોકરો શરમાઈને ચાલી ગયો.
બીજા દિવસે ફરીથી કમાવવાની હિંમત ન થઈ, તો માની પાસેથી છાનામાના માગીને લઈ આવ્યો. તે દિવસે પણ તેમ જ બન્યું, ત્રીજા દિવસે ક્યાંયથી ચોરીને લાવ્યો. પરંતુ પિતાને છેતરી ન શકાય. તે દરેક વખતે મહેનતની કમાણી નથી એમ કહીને તેને આગમાં ફેંકતા રહ્યા.
છોકરો સમજી ગયો કે કમાણી કર્યા સિવાય વાત ચાલશે નહીં. બે દિવસ મહેનત કરીને કોઈ પણ રીતે રૂપિયો કમાઈ લાવ્યો. પિતા તેને જોઈને અગાઉની વાત દોહરાવીને આગમાં ફેંકવા લાગ્યા. છોકરાએ ચીસ પાડીને હાથ પકડી લીધો અને બોલ્યા, “પિતાજી શું કરી રહ્યા છો, મારી મહેનતની કમાણી આમ નિર્દયતાથી ભટ્ટીમાં ફેંકશો નહીં.”
પિતાએ હસીને કહ્યું, “બેટા ! હવે સમજ્યો હોઈશ કે મહેનતની કમાણીનો શો અર્થ છે. જો તું ખોટા કાર્યોમાં મારી કમાણી વેડફે છે ત્યારે મને પણ આવી ચીડ ચઢે છે.
પુત્ર પિતાની વાત સમજી ગયો, તેણે પૈસાનો દુરુપયોગ ન કરવાના સોગંદ લીધા અને પિતાને સહકાર આપવા લાગ્યો.
સંદર્ભ: યુગ શક્તિ ગાયત્રી, ડિસેમ્બર ૧૯૯૫