એક ફિલસૂફ એક રાજનેતા અને એક વૈજ્ઞાનિક એક હોડીમાં બેસીને ગંગા પાર કરી રહ્યા હતા.
ખારવા એ રાજનેતાને પૂછ્યું – કૃપા કરીને મને બતાવો કે મનુષ્યનો ધર્મ શું છે ?
રાજનેતા બોલ્યો – તું નથી મનુષ્ય કે નથી તારી અંદર બુદ્ધિ. પછી ધર્મ સાથે તારે શું મતલબ અમને વોટ આપ, અમે તારાં દુ:ખ દૂર કરીશું.
ખારવાએ આજ પ્રશ્ન વૈજ્ઞાનિકને પૂછ્યો – તે કહેવા લાગ્યા – અજ્ઞાનીઓનો પણ કોઇ ધર્મ હોય છે ? તારો પ્રશ્ન સાંભળીને મને હસવું આવે છે કે તારે પણ ધર્મ જોઇએ છીએ.
હવે ફિલસૂફનો વારો હતો. તે કટાક્ષમાં બોલ્યો તારો આ ગંદો દેહ અને એમાં ધર્મની અપેક્ષા ? પહેલાં કર્મફળ ભોગવી લે પછી ધર્મની આશા કરજે.
ખારવાનું મન વિચલિત થઈ ગયું. આ બાજુ હોડી પણ એક વમળમાં ફસાઈ ગઈ. આગળ વધવાની જ્ગ્યાએ તે ત્યાંજ ચકકર કાપવા લાગી. ખારવાએ ગભરાઈને ત્રણેય યાત્રીઓને સૂચના આપી કે હોડી ડૂબવાની છે. જેને તરતાં આવડતું હોય તે હોડીમાંથી કૂદી પડે પરંતુ ત્યાં તો કોઇ તરવાનું જાણતું નહોતું.
ખારવાને આશ્ચર્ય થયું કે આ લોકો તરવાનું નથી જાણતા ? જે નદી પણ પાર નથી કરી શકતા. તે ભવસાગર કેવી રીતે પાર કરશે ?
સાથે જ એને દયા આવી. ત્રણેયના જીવ બચાવવાનો પ્રશ્ન હતો. શું આ પ્રશ્નનો જવાબ માનવ ધર્મ નથી ? એને પોતાના પ્રશ્નનો જવાબ મળી ગયો એની અંદર સાહસ અને શકિત જાગી ઉઠી. ગમે તેમ કરીને હોડી વમળમાંથી બહાર કાઢી. ત્રણેયને કિનારે ઉતારીને એમને સંભળાવતાં બોલ્યો – મનુષ્ય બીજાનાં સંકટ દૂર કરવામાં પોતાને ભૂલી જાય, એજ માનવ ધર્મ છે; કારણ કે મનુષ્યને એનાથી વધારે ખુશી બીજી કોઈ વાતથી નથી મળતી.
યુગ શક્તિ ગાયત્રી, મે ૧૯૮૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6