એક દુષ્ટ આત્મા હતો. તે દરરોજ મહાત્મા પાસે જતો અને પૂછતો – દુષ્ટતાનો સ્વભાવ કેવી રીતે છૂટે ?”
મહાત્માજી ઉત્તર આપવાનું ટાળતા રહેતા. એક દિવસ તેમણે તે દુષ્ટની હસ્તરેખા જોઈ અને વિશ્વાસ અપાવી કહ્યું કે હવે તારો અંત ખૂબ નજીક છે. તું એક મહિના કરતાં વધારે જીવીશ નહિ. પેલો દુરાત્મા ચિંતામાં ડૂબી ગયો. એક મહિના સુધી દુ:ખ, ભય, પશ્ચાત્તાપ તથા ભજનમાં વળગી રહ્યો. ભવિષ્યમાં થનારી દુર્ગતિ પણ મનમાં સતત છવાયેલી રહી.
એક મહિનામાં એક દિવસ બાકી રહ્યો ત્યારે મહાત્માએ તેને ફરી બોલાવ્યો અને પૂછ્યું- “કેમ રે! આ મહિનામાં તે કેટલી વાર દુષ્ટતા આચરી ? કેટલાં પાપ કર્યા ?’ જવાબ મળ્યો- “એક પણ નહિ. ચિત્ત ઉપર પ્રત્યેક ક્ષણ મૃત્યુનો ભય જ છવાયેલો રહ્યો. આવી સ્થિતિમાં પાપનો વિચાર જ કેવી રીતે આવે.”
મહાત્માજી હસી પડ્યા અને બોલ્યા- પાપથી બચવાનો એક જ ઉપાય છે કે પળેપળ મૃત્યુને યાદ રાખો અને જેનાથી ભવિષ્ય ઉજ્જવળ બને તેવું કરવાનો વિચાર કરો.’ મૃત્યુ ટળી જવાનું અભયદાન મેળવીને તે દુરાત્મા ચાલ્યો ગયો અને મૃત્યુનું સ્મરણ પ્રગાઢ બનતાં જ એક દિવસ તે મહાત્મા બની ગયો.
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી, ૨૦૦૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6