એક માણસનું કુટુંબ ખૂબ વિશાળ હતું, કેટલાય ભાઈ, કેટલાય દીકરા, કેટલાય પૌત્રો એ બધામાં પ્રેમભાવ હતો. બધા મળીને રહેતા હતા. એ માણસને તેના પરિવારનું ખૂબ ઘમંડ હતું. અવારનવાર તે આ બાબતની ચર્ચા પણ કરતો રહેતો હતો. ઘરના લોકોના પીઠબળથી એણે જે ઇચ્છ્યું તે કરાવ્યું. કોઈની સંપત્તિ છીનવી લીધી, કોઈને માર માર્યો તો કોઈની પાસેથી વેઠ કરાવી. બધા તેનાથી ડરતા હતા. તેનો સામનો કરવાની કોઈનામાં શક્તિ પણ નહોતી. આખરે કોણ તેનો સામનો કરવાનું હતું? એ માણસની તાકાત સામે કોઈનું કશું જ ચાલતું નહોતું.
એક રાત્રે ખબર ફેલાઈ કે ઉંદરો મરી રહ્યા છે, પ્લેગ આવી ગયો છે. બધા લોકો ગામ છોડીને જંગલમાં ઝૂંપડાં બનાવીને રહેવા લાગ્યા, પરંતુ એ માણસ જે કોઈનાથી દબાઈને રહ્યો નથી તે આ પ્લેગથી શા માટે ગભરાય ? એવી અકડાઈમાં ને અકડાઈમાં તે ત્યાં જ પડી રહ્યો, ત્યાંથી ન હટ્યો. પ્લેગની પ્રતીક્ષામાં અને તેની સાથે લડવાની તૈયારીમાં કેટલીય રાતો અને ઘણા દિવસો નીકળી ગયા. એક દિવસ અચાનક એના ઘરમાં પ્લેગ ઘૂસી ગયો. એક એક કરીને કુટુંબના બધા સભ્યો મરવા લાગ્યા. ચાર દિવસમાં મકાન આપોઆપ ખાલી થઈ ગયું. બધા મરી ગયા. ન ભાઈ રહ્યા કે ન દીકરા. કાળની આંધીએ બધી લાશોને ઉડાવી દીધી. જે માણસને પોતાના પરિવાર પર ખૂબ ગર્વ હતો તેના ઘરમાં દીપક પ્રગટાવનાર પણ શેષ ન રહ્યો.
એ માણસ અંધારામાં બેસીને રડી રહ્યો હતો. આજે એનું બધું અભિમાન એની આંખો સામે હતું. પોતાની ભૂલ પર પસ્તાતો હતો અને આંસુ વહાવતો હતો. ઘણા દિવસો બાદ એ સમજી શક્યો કે મનુષ્યના વશમાં કશું જ નથી, એ તો બધો ઈશ્વરનો ખેલ હતો.
યુગ શક્તિ ગાયત્રી, મે ૨૦૦૦
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6