યજ્ઞનો સાચો અર્થ વાસ્તવમાં એ છે કે યજ્ઞીય ભાવનાઓને આપણા જીવનમાં, આપણા વ્યક્તિત્વમાં, આપણા ચિંતનમાં અને આપણી ભાવનાઓમાં આત્મસાત્ કરવાનો છે. દૈવીગુણોનો અર્થ પણ આપવાની ભાવના, ઉદારતાની ભાવના, કરુણાની ભાવના, દયાની ભાવના, બલિદાન આપવાની ભાવના અને દાન કરવાની ભાવના રાખવી એવો પણ થાય છે. એને એમ પણ કહી શકાય કે ભગવાનની પાસે બેસીને ભગવાનના ગુણોને ધારણ કરવા એ યજ્ઞ છે.
પૂ. ગુરુદેવે પ્રજ્ઞાપુરાણમાં એક કથા આપી છે. એમાં વિધાતા દેવર્ષિ નારદને સમજાવે છે કે દેવો અને દાનવો બંને ભગવાનનાં સંતાનો હોવા છતાં પણ તેમને જુદા જુદા ભાવથી જોવામાં આવે છે. કથામાં એવો ઉલ્લેખ આવે છે કે ભગવાને દેવો તથા દાનવો બંનેને પરંતુ ભોજન કરવા માટે બોલાવ્યા, પરંતુ ભોજન પીરસતા પહેલાં તેમણે એક શરત મૂકી કે કોણીમાંથી હાથ વાળ્યા વગર જ દરેકે ભોજન કરવાનું છે.
અસુરો સ્વાર્થી અને ટૂંકી બુદ્ધિના હોવાના કારણે ભગવાનની શરતનો મર્મ સમજી શક્યા નહિ. તેમણે ખાવા માટે બહુ પ્રયત્ન કર્યો, પરંતુ ભોજનનો આનંદ લઈ શક્યા નહિ, પરંતુ દેવતાઓ ભગવાનની એવી શરત પાછળનું તાત્પર્ય સમજી ગયા અને તેમણે એકબીજાના મોંમાં કોળિયા મૂકીને બીજાને ભોજન કરાવ્યું અને પોતે પણ તૃપ્ત થઈ ગયા. બધાયનું પેટ ભરાઈ ગયું.
આ કથાનો સંદેશ એ છે કે દેવત્વનો અર્થ પોતાને જે કાંઈ મળ્યું છે તે વહેંચીને ખાવાનો છે. જો યજ્ઞ કરનારમાં આવા દૈવી ગુણોની અભિવૃદ્ધિ થાય તો તેમને દેવપૂજનનો સાચો લાભ થાય છે.
યુગ શક્તિ ગાયત્રી, જૂન ૨૦૨૩