રાજા રઘુના દરબારમાં એક પ્રશ્ન ચર્ચાઈ રહ્યો હતો કે રાજ્યકોષનો ઉપયોગ કયા ઉદ્દેશો માટે કરવામાં આવે ?
એક પક્ષ હતો-સૈન્ય શકિત વઘારવામાં આવે જેથી કેવળ સુરક્ષા નહિ, પરંતુ સીમા વિસ્તારની યોજના પણ આગળ વધે. તેની પાછળ જે ખર્ચ થશે. તે પરાજિત દેશો પાસેથી નવા લાભ મળતાં સહજ રીતે પર્યાપ્ત થઈ પડશે.
બીજો પક્ષ હતો- પ્રજાજનોનું સ્તર ઊંચું લાવવામાં રાજયકોષ ખાલી કરી દેવામાં આવે. સુખી, સંતુષ્ટ, સાહસિક અને ભાવનાશાળી નાગરિકોમાંનો દરેક નાગરિક એક દુર્ગ હોય છે. તેમને જીતવાનું કોઈ પણ શત્રુ માટે શકય નથી. આ પ્રકારના યુદ્ધ-વિજયથી ક્ષેત્ર જીતવાની સરખામણીમાં મૈત્રીનો વિસ્તાર અનેકગણો લાભદાયક છે. તેનાથી સ્વૈચ્છિક સહયોગ અને પોતાપણાની એવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત થાય છે. જેના કારણે નાનો દેશ પણ ચક્રવર્તી કક્ષાનો બની શકે છે.
બન્ને પક્ષોના તર્કો ચાલતા રહ્યા. અંતે રાજાએ નિર્ણય આપ્યો. યુદ્ધ, પેઢીઓથી લડાતાં રહ્યાં છે. તેનાં કડવા, મીઠાં પરિણામો પણ સ્મૃતિ પર અંકિત છે. આ વખતે યુદ્વનાં પ્રયોજનોની ઉપેક્ષા કરીને લોક-માંગલ્યની પરિણતિને પરખવામાં આવે અને સમસ્ત સંપત્તિ જનકલ્યાણની યોજનાઓ પરિપૂર્ણ કરવામાં ખર્ચવામાં આવે.
એમ જ કરવામાં આવ્યું. ઘીરે ધીરે પ્રજાજનો દરેક રીતે ઉન્નત બન્યા. પડોશી રાજ્યોને આ સમાચાર મળ્યા તો તેમની હિંમત તૂટી ગઈ. આક્રમણ કરવાની ચર્ચાઓ સમાપ્ત થઈ ગઈ. સુખશાંતિના સમાચાર જાણીને અન્ય દેશોના સમર્થ લોકો પણ ત્યાં આવીને વસવા લાગ્યા. ઉજ્જડ ભૂમિ સોનુ ઉપજાવવા લાગી અને ઉત્સાહી પ્રજાજનોએ પોતાના દેશને એવો બનાવી દીધો, જેને કારણે અયોધ્યા ક્ષેત્રમાં સતયુગ દષ્ટિગોચર થવા લાગ્યો.
યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૨૦૦૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6