એક રાજા જંગલમાં ભૂલો પડ્યો. તરસના કારણે વ્યાકુળતા અનુભવતો તે જ્યાં ત્યાં ભટકતો હતો. તેને એક ઝૂંપડી નજરે પડી. તે ત્યાં પહોંચ્યો.
ત્યાં એક વૃદ્ધ ખેડૂત બેઠો હતો. બાજુમાં જ શેરડીનું ખેતર હતું. રાજાએ પાણી માંગ્યું. વૃદ્ધ ખેડૂતે બે ચાર શેરડી તોડી, કોલુમાં તેને પીસી, તેના રસમાંથી એક પ્યાલો ભરાઈ ગયો.
રાજાએ તે પીઘો, તેનું મન પુલકિત થઈ ઊઠ્યું. તેણે વૃદ્ધને પૂછ્યું, ‘શું શેરડી ઉપર કર લાગે છે ?’ વૃદ્ધ બોલ્યો, ‘અમારા રાજા દયાળુ છે. તે અમારી પાસેથી શા માટે કર લે ?’ રાજા મનોમન વિચારવા લાગ્યો, ‘આવી મીઠી વસ્તુ પર તો કર અવશ્ય લાગવો જોઈએ.’ મનમાં સંકલ્પ- વિકલ્પ થવા લાગ્યા. છેવટે કર નાંખવાનો નિશ્ચય કરી લીધો. જતાં જતાં રાજાએ વૃદ્ધને કહ્યું, ‘એક પ્યાલો રસનો પીવડાવો.’ વૃદ્ધે ફરીથી બેચાર શેરડી તોડી, તેને કોલુમાં નાંખી, પરંતુ રસથી પ્યાલો ભરાયો નહીં. રાજા અચંબામાં પડ્યો, તેણે પૂછ્યું, ‘આ શું ? પહેલાં તો રસથી પ્યાલો ભરાઈ ગયો હતો, હવે ન ભરાયો, આમ કેમ ? વૃદ્ધ દૂરદર્શી હતો. તેણે કહ્યું. ‘લાગે છે રાજાની નિયત બગડી ગઈ, અન્યથા આવું ન થાય !’ રાજા મનમાં ને મનમાં પસ્તાવા લાગ્યો.
રાજાની નિયતની આવી અસર થતી હોય, તો શું ધર્માધ્યક્ષો, રાજનેતાઓ, અધિકારીઓ અને ગણમાન્ય વ્યક્તિઓના આચરણનો પ્રભાવ સમાજ પર નહીં પડતો હોય ?
યુગ શક્તિ ગાયત્રી, ઓક્ટોબર ૨૦૦૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6