ગુપ્તયુગમાં મગધ દેશમાં જન્મેલા ચાણક્ય મહાન માતૃભક્ત અને વિદ્યાપરાયણ હતા. એક દિવસ તેમની માતા રડી રહી હતી. માતાને કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે તારા આગળના દાંત રાજા બનવાનાં લક્ષણો બતાવે છે. તું મોટો થતાં રાજા બનીશ અને મને ભૂલી જઈશ. ચાણક્ય હસતાં હસતાં બહાર ગયા અને બંને દાંત તોડી લાવીને બોલ્યા, “હવે આ લક્ષણો હટી ગયા, હવે હું તમારી સેવામાં જ રહીશ. તું આજ્ઞા કરીશ તો આગળ જતાં રાષ્ટ્રદેવતાની સાધના કરીશ.’
ચાણક્ય મોટા થઈને પદયાત્રા કરીને તક્ષશિલા પહોંચ્યા અને ત્યાં ચોવીસ વર્ષ ભણ્યા. તેઓ શિક્ષકોની સેવા કરવામાં એટલો બધો રસ લેતા કે તેમના પ્રિયપાત્ર બની ગયા. બધાએ તેમને રસ લઈને ભણાવ્યા અને અનેક વિષયોમાં નિષ્ણાત બનાવ્યા.
અભ્યાસ પછી મગધ પાછા ફરીને તેમણે એક પાઠશાળા ચલાવી અને અનેક વિદ્યાર્થીઓને પોતાના સહયોગી બનાવ્યા. તે સમયે મગધનો રાજા નંદ દમન અને અત્યાચારો આચરી રહ્યો હતો અને યૂનાનીઓ પણ દેશ પર વારંવાર આક્રમણ કરતા હતા. ચાણક્યે એક પ્રતિભાવાન યુવક ચંદ્રગુપ્તને આગળ કર્યો અને તેને સાથે લઈને દક્ષિણ તથા પંજાબ પ્રદેશની મુસાફરી કરી. સહાયતા માટે સૈન્ય એકઠું કર્યું અને બધા આક્રમણકારોને હંમેશ માટે ભગાડી દીધા. પરત આવતાં નંદ પાસેથી ગાદી પડાવી લીધી. ચાણક્યે ચંદ્રગુપ્તનો ચક્રવર્તી રાજાની માફક અભિષેક કર્યો અને સ્વયં ધર્મપ્રચાર તથા વિદ્યાવિસ્તારમાં જોડાઈ ગયા. તેઓ આજીવન અધર્મ અને અનીતિની સામે લડતા રહ્યા.
યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૨૦૦૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6