મહાત્મા બુદ્ધ પોતાના શિષ્યો સાથે સાંજના સમયે એક બગીચામાં ફરી રહ્યા હતા. બગીચામાં જ આવેલા એક સુંદર સરોવરમાં ખીલી રહેલાં કમળપુષ્પો જોઈને તેઓ આનંદમગ્ન થઈ ગયા. આ દરમિયાન એ શિષ્યએ સરોવર પાસે જઈને એક પુષ્પ તોડી લીધું અને ભગવાનને આપ્યું. બુદ્ધે કહ્યું, “વત્સ ! આ તે યોગ્ય નથી કર્યું, કોઈ અન્ય વ્યક્તિએ પરિશ્રમ કરીને લગાવેલાં આ પુષ્પો તોડવાનો તને શો અધિકાર ? આ પાપ છે.” શિષ્યએ પોતાની ભૂલ સ્વીકારીને ક્ષમા માગી.
બીજી જ ક્ષણે એક માણસ આવ્યો, તે નિર્દયતાપૂર્વક પુષ્પો તોડીને ફેંકવા લાગ્યો. ભગવાને તે વ્યક્તિને કાંઈ ન કહ્યું, તેઓ શાંત રહ્યા. શિષ્યએ પૂછયું, “ભગવન્ ! આપને અર્પણ કરવાના ઉદ્દેશથી એક ફૂલ તોડતાં આપે રોક્યો અને આ નિર્દયી વ્યક્તિ અનેક પુષ્પો તોડીને સરોવરની શોભા બગાડી રહ્યો છે, તેને આપ કશું નથી કહેતા.
”બુદ્ધે કહ્યું,“વાસના- તૃષ્ણામાં ડૂબેલી કોઈ વ્યક્તિ અનુચિત કાર્ય કરે છે તો તે તેનું અજ્ઞાન છે, પરંતુ ધર્મપરાયણ, વિવેકશીલ અને લોકશિક્ષણના વ્રતી જો એવું કાર્ય કરે તો તે પાપ છે. લોકસેવકનું આચરણ પોતાના ખુદના માટે અને સમાજ માટે શ્રેષ્ઠ અને જ્ઞાનસંમત રહે તે અનિવાર્ય છે !”
યુગ શક્તિ ગાયત્રી, મે ૨૦૦૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6