શિકારે નીકળેલા રાજાના મુકામની પાસે આવેલા એક કૂવા ઉપર એક આંધળો વટેમાર્ગુઓને કૂવામાંથી કાઢીને પાણી પીવડાવતો હતો.
રાજાને તરસ લાગી એટલે તેણે સિપાહીને પાણી લેવા મોક્લ્યો. સિપાહી ત્યાં જઈને બોલ્યો, “એ આંધળા, મને એક લોટો પાણી આપી દે.” સૂરદાસે કહ્યું, “જતો રહે, તારા જેવા મૂર્ખ નોકરને હું પાણી આપતો નથી. સિપાહી ગુસ્સે થઈને પાછો આવ્યો. ત્યારે સેનાપતિએ તેની પાસે જઈને કહ્યું, “હે અંધ મિત્ર, જલદીથી એક લોટો ઠંડું પાણી પા.” આંધળાએ કહ્યું, “મને લાગે છે કે તમે પહેલા આવેલા માણસના સરદાર છો. હું તમને પાણી નહીં આપું. બંનેએ રાજાને ફરિયાદ કરી કે પેલો આંધળો ડોસો પાણી આપતો નથી.
રાજા તે બંનેને લઈને કૂવા પાસે ગયો અને પ્રણામ કરી બોલ્યો, “હે સૂરદાસ બાબાજી ! તરસથી ગળું સૂકાય છે. તમે થોડું પાણી આપો તો મારી તરસ છિપાવું.” આંધળાએ કહ્યું, “મહારાજ, બેસો હું હમણાં જ પાણી આપું છું.”
રાજાએ કહ્યું, “મહાત્મા, તમે આંધળા હોવા છતાં પહેલો નોકર, બીજો પ્રધાન અને હું રાજા છું એ કેવી રીતે જાણી શક્યા ? આંધળાએ કહ્યું, “માણસની વાણી વડે તેની કક્ષા કે તેના વ્યક્તિત્વનો ખ્યાલ આવી જાય છે.”
યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૧૯૯૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6