દરિદ્રતા પૈસાની તંગીનું નામ નથી, પરંતુ મનુષ્યની આંતરિક કંજૂસાઈનું નામ છે. આપણે રંગીન ચશ્માં પહેરેલાં હોય અને એના દ્વારા જોવામાં આવે તો દરેક જગ્યાએ એવો જ રંગ દેખાવા લાગે છે. જેને પીળિયો થયો હોય તેને બધી જ ચીજ પીળી દેખાવા લાગે છે. બરાબર તેવી જ રીતે વિકૃત દૃષ્ટિકોણને કારણે આપણને દરેક જગ્યાએ નરક જ દેખાવા લાગે છે, દ્વેષ દેખાવા લાગે છે, આશંકા અને ભય દેખાવા લાગે છે. ઝાડીમાંથી પ્રેત અને દોરડામાંથી સાપ નીકળે છે તે વાત આપ બધાએ સાંભળી હશે. આ આશંકાઓ માત્ર આપણા વિકૃત મગજનાં ચિહ્નો છે, જેઓને ઠીક કરવામાં ન આવે તો ઘણી બધી મુશ્કેલી ઊભી થાય છે. તેને આપણે દૂર કરવી જ પડશે.
જ્યાં મનની ઈચ્છાને અનુકૂળ પરિસ્થિતિઓ ઊભી કરવાની વાત હોય ત્યાં તેનાથી પણ વધારે મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આપણે આપણા મગજની ચિંતન કરવાની પદ્ધતિને સંપૂર્ણ રીતે સુધારી લઈએ. ચિંતન કરવાની પદ્ધતિને જો સુધારી લેવામાં આવે તો સામાન્ય પરિસ્થિતિમાં પણ હસી-ખુશીથી ભરેલી જિંદગી આપણે જીવી શકીએ છીએ.
સંત ઈમર્સન કહેતા હતા કે અમને નરકમાં મોકલી દો. ત્યાં અમે અમારા માટે સ્વર્ગ બનાવી દઈશું. વાત બિલકુલ સાચી છે. શાલીનતા અને વિવેકશીલતાનો દ્રષ્ટિકોણ રાખનાર, ઊંચો દૃષ્ટિકોણ ધરાવનાર, વાસ્તવિકતાને સમજનાર આ દુનિયામાં પ્રત્યેક ક્ષણે હસતા-હસાવતા જોવા મળે છે.
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૧૯૯૯
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6