રાજા અગ્નિમિત્ર અને શેઠ સોમપાલ મિત્રો હતા. તેમની વચ્ચે વાદવિવાદ થયો. સોમપાલે કહ્યું, રાજ્યનું રક્ષણ કરવું ઉપયોગી તો છે, પરંતુ અનિવાર્ય નથી. ઈશ્વરે બક્ષેલી વિભૂતિ અને સગવડોથી મનુષ્ય ધણો જ આનંદથી રહી શકે છે. રાજાએ ઉગ્ર થઈને પડકાર ફેંક્યો. “સારું, એક વર્ષે જંગલની હદમાં રહેજો, નગરમાં પ્રવેશ કરશો નહીં. નગરમાં દાખલ થશો તો જેલમાં પૂરી દઈશ. જો હાર સ્વીકારી લેશો તો પ્રતિબંધ દૂર કરી દઈશ અને જો એક વર્ષમાં કંઇ નોંધપાત્ર કરી બતાવશો તો હું હાર માનીશ.”
સોમપાલે મર્યાદિત સાધનો લઈને જંગલમાં પ્રવેશ કર્યો. ત્યાં એક નિરાશ કઠિયારો મળ્યો. તે ઘણો જ પરિશ્રમ કરતો હોવા છતાં પણ તેના કુટુંબનું ભરણપોષણ ઠીક રીતે ન થવાથી દુઃખી હતો. સોમપાલે તેને પ્રોત્સાહિત કર્યો અને કહ્યું, “મિત્ર ! તું મને શ્રમથી મદદ કરજે, હું તને વિચારથી મદદ કરીશ. બંને હળીમળીને ઘણું કામ કરવા લાગ્યા. કઠિયારો પ્રસન્ન થઈ ગયો.
સોમપાલે તેની પાસેથી કુહાડી લઈ લીધી. તે સ્વયં લાકડાં કાપવા લાગ્યા અને તેને નગરના સમાચાર લેવા મોકલી દીધો. તેઓ સૂચના મુજબ તેને બળતણના અને ઈમારતી લાકડાં મોક્લવા લાગ્યા. ધીમેધીમે કામ વધી ગયું. વધુ મજુરોને બોલાવીને વધુ કામ કરવા લાગ્યાં. નગરવાસીઓ તે વ્યવસ્થાનો લાભ લેવા લાગ્યા.
તેવામાં એક વિશાળ યજ્ઞ થવાનો છે. તેની ખબર મળી. સોમપાલે યજ્ઞીય સમિધાઓ તથા સુગંધિત વનૌષધિઓનો સંગ્રહ કરી લીધો. યજ્ઞના આયોજકોને ખબર પડતાં તેને સારી કિંમત ચૂકવીને તૈયાર વસ્તુઓ ખરીદી લીધી. આ રીતે સોમપાલના વ્યવસ્થાતંત્રને લીધે નગરની ઘણી આવશ્યકતાઓ પૂરી પડવા લાગી.
આ વાતની રાજાને ખબર મળતાં તે તંત્રની પાછળ કોનો હાથ છે તેની શોધ કરવામાં આવી. રાજા સ્વયં પોતાના મિત્રને મળવા ગયા. પ્રેમપૂર્વક મળ્યા અને પૂછ્યું, “તમે તો શહેરમાં પ્રવેશ્યા નથી, તો આ બધું કેવી રીતે સંભવ બન્યું ?” સોમપાલ બોલ્યા, “મિત્ર ! આ મારી વિચારશક્તિ અને કઠિયારાની શરીર શક્તિનો સંયોગ છે. આ બેના સંયોગથી વન સંપત્તિ નગરવાસીઓના કામમાં આવી અને એક વર્ષનો સમય આપણા બધાના માટે ધણો મૂલ્યવાન બની ગયો.
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૧૯૯૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6