Home year2017 વિરહ અને વસંત

વિરહ અને વસંત

by Akhand Jyoti Magazine

Loading

વિરહનો અર્થ શબ્દોમાં નહિ, અનુભૂતિમાં છે. આપણે આપણા મૂળથી અલગ થઈ ગયા છીએ. આપણો પરમાત્મા સાથે સંબંધ તૂટી ગયો છે. તેનો અહેસાસ જ્યારે થાય છે, તો આપણને સાચા અર્થમાં વિરહની અનુભૂતિ થાય છે. આપણે જેમાં છીએ, તેનું સરનામું આપણે ભૂલી ગયા છીએ. જે આપણા શ્વાસોના શ્વાસ છે, જે આપણા પ્રાણોના પ્રાણ છે, તેની સાથે આપણો સંબંધ છિન્નભિન્ન થઈ ગયો છે. જે આપણો આનંદ બની શકે છે, તેના તરફથી આપણે પીઠ ફેરવી લીધી છે. જે આપણા શાશ્વત જીવનનું દ્વાર ખોલી શકે છે, તેનાથી ઊલટા આપણે ભાગતા જઈ રહ્યા છીએ.

આપણે ધનની તલાશમાં છીએ, ધ્યાનની તલાશમાં નહિ. ધન બહાર છે, ખૂબ દૂર છે. ક્ષિતિજ જેવું છે. ભાગતા રહો, ભાગતા રહો, ક્યારેય મળતું નથી. આનાથી ઊલટું, ધ્યાન ભીતર છે, ભાગો તો નથી મળતું, રોકાવ તો મળી જાય છે. પરંતુ એક આપણે છીએ કે બસ ભાગતા જઈ રહ્યા છીએ. આ દોડાદોડી આપણને આપણાથી, આપણા સ્રોતથી દૂર લઈ જઈ રહી છે.

આપણી સ્થિતિ કાંઈ એવી થઈ ગઈ છે કે જાણે કોઈ વૃક્ષ ભાગવા લાગે. હવે વૃક્ષ જેટલું ભાગશે, એટલા જ એના માઠા દિવસ આવશે કારણ કે તેનાં મૂળ ઊખડી જશે. તે પોતાના પ્રાણોના સ્રોતથી, જળસ્રોતથી, જે ભૂમિમાંથી તેને ભોજન મળતું હતું, એ બધાથી અલગ થઈ જશે. વૃક્ષની રખડપટ્ટી, તેનું રખડુંપણું, તેનું ઘર-બાર વગરનું થઈ જવું – તેની પાસેથી તેનું જીવન છીનવી લેશે. તેની હરિયાળી ખોવાઈ જશે, તેનાં પાંદડાં ખોવાઈ જશે. કળીઓ, ફૂલ નહિ બની શકે. તેના જીવનમાં પણ વસંત આવી શકશે નહિ. વસંત તો વિરહનો અંત છે અને વિરહ વસંતનો અંત છે. જે પરમાત્માથી વિપરીત જીવે છે, તે વસંતમાં જીવે છે. ધનની દિશાથી ધ્યાનની દિશામાં વળતાં જ વિરહનું દર્દ ઓછું થવા લાગશે, વસંતની ખુશી છવાવા લાગશે. જે પરમાત્મામાં જીવે છે એ બધામાં સદા પરિતોષ હોય છે. તેમનામાં વિરહની પીડા નહિ, વસંતની પ્રસન્નતા છલકાય છે. ત્યારે વિરહની અનુભૂતિ, વસંતની અનુભૂતિ બની જાય છે. તેમને પોતાનાં મૂળમાંથી જીવન મળવા લાગે છે. તેમના જીવનમાં વસંતનો ઉલ્લાસ છવાય છે, તેમનાં ગીતોમાં સ્વર ફૂટે છે.

યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૨૦૧૭

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like