એક ગુરુના બે શિષ્ય હતા – પ્રખર અને પંકજ. પ્રખર ખેડૂતનો પુત્ર હતો અને પંકજ એક રાજકુમાર હતો. રાજ્યપરિવારનું સંતાન હોવાને કારણે પંકજ આળસુ અને અહંકારી હતો, જ્યારેપ્રખર પરિશ્રમી અને વિનમ્ર હતો.
એક વાર પંકજના પિતા પૃથ્વીસિંહે યુવાનોની પ્રતિભાની પરીક્ષા લેવાના ઉદ્દેશ્યથી એક સ્પર્ધાનું આયોજન કર્યું. તેમાં દૂર દૂરથી અનેક
યુવકો આવ્યા હતા.
ગુરુજી પણ પોતાના શિષ્યો સાથે સ્પર્ધામાં ભાગ લેવા પહોંચ્યા. જ્યારે પ્રખર સ્પર્ધક રાજકુમારોની સાથે બેસવા લાગ્યો તો પંકજ બોલ્યો, “આ હરોળ રાજકુમારો માટે છે. તું બીજી હરોળમાં જઈને બેસ.’’ રાજા પૃથ્વીસિંહે આ સાંભળ્યું તો તેઓ બોલ્યા, “અત્યારે તું રાજકુમાર નહિ, સ્પર્ધક છે. આ દૃષ્ટિએ તારામાં અને આનામાં કોઈ ભેદ નથી. ’’ જોકે પંકજ માટે પોતાના પિતાના આદેશની અવહેલના કરવાનું સંભવ ન હતું પરંતુ તેના મુખ પર અસહમતિના ભાવ આવી ગયા. આ જોઈને પ્રખર દૂર જઈને એક બાજુ બેસી ગયો.
સ્પર્ધા શરૂ થતાં રાજાએ તમામ સ્પર્ધકોને પૂછ્યું, “જો તમારી સામે એક ઘાયલ વાઘ આવી જાય જેને તીર વાગ્યું હોય, તો તમે શું કરશો ?’ બધા રાજકુમારોએ ઉત્તર આપ્યો કે તેઓ વાઘ માટે પોતાનો જીવ જોખમમાં નહિ મૂકે. તેને મરી જવા દેશે. પરંતુ પ્રખર બોલ્યો, ‘મહારાજ ! હું વાઘનું તીર કાઢીને તેનો ઉપચાર કરીશ. કારણ કે ઘાયલ જીવનું રક્ષણ કરવું એ મારું પ્રથમ કર્તવ્ય છે અને પ્રત્યેક મનુષ્યનો ધર્મ છે. વાઘનો પણ પોતાનો ધર્મ છે અને સ્વસ્થ થયા પછી જો તે મારા પર હુમલો કરી દે તો તે તેનો સ્વભાવ છે, દોષ નહિ, ઉત્તર સાંભળીને રાજા પૃથ્વીસિંહ બોલ્યા, “ધન્ય છે એ પિતા જેનો તું પુત્ર છે, ધન્ય છે એ ગુરુ જેનો તું શિષ્ય છે.’’
ત્યારે ગુરુએ રાજકુમારોને કહ્યું, “વત્સ ! વ્યક્તિની પરખ તેના વંશથી નહિ પરંતુ તેનાં કર્મો અને વિચારોથી થાય છે.
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૨૦૧૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6