રાજા પરીક્ષિત વનવિહારમાં માર્ગ ભૂલ્યા. બહુ તપાસ કરતાં તરસ છીપાવવા માટે એક સરોવર મળ્યું. ધોડા પરથી પાણી પીવા આગળ વધ્યા તો જોયું કે યુવાન દેવકન્યાઓ જળમાં વસ્ત્ર વિના સ્નાન કરતી હતી. રાજા શરમના માર્યા પાછા ફરી ગયા અને એક ઝાડની પાછળ છુપાઇને તેમના ચાલ્યા જવાની વાટ જોવા લાગ્યા.
એટલામાં જોયું કે એ બાજુથી મુનિ શુકદેવ આવ્યા. યુવાન વસ્ત્રવિહીન તેઓ પણ એ સરોવરમાં પાસે જ સ્નાન કરતા રહ્યા. દેવકન્યાઓએ તે બાબત કોઈ ધ્યાન આપ્યું નહિ-વાંધો લીધો નહિ. શુકદેવ ચાલ્યા ગયા.
થોડીવાર પછી વયોવૃદ્ધ વ્યાસ સરોવર તીરે પહોંચ્યા. તેમને ફક્ત પાણી જ પીવું હતું. વસ્ત્ર પણ પહેર્યા હતા. એમને દેખતાં જ દેવકન્યાઓ ભાગી અને કપડાં લપેટીને ઝાડની ઓથમાં વ્યાસજી ચાલ્યા ન ગયા ત્યાં સુધી લપાઈ રહી. પરવારીને જયારે દેવકન્યાઓ જવા લાગી ત્યારે પરીક્ષિતે કુતૂહલથી પૂછ્યું, “આપ લોકોએ કપડાં વગરના યુવાન શુકદેવની નજીક સ્નાન કરવામાં કોઇ વાંધો ન ઉઠાવ્યો પરંતુ વસ્ત્રાધારી વયોવૃદ્ધ વ્યાસને જોઇને આ પ્રકારે કેમ નાસી ગયાં ?”
કન્યાઓએ કહ્યું, “રાજન, અમે તે બંનેની મન:સ્થિતિ અને પૂર્વ ઈતિહાસ જાણીએ છીએ. શુકદેવ નિર્વિકાર હતા, અને વ્યાસનાં પહેલાંનાં કૃત્યો કુસંસ્કારના રુપમાં છૂપાએલાં પડયા હતાં. મહત્ત્વ પરિસ્થિતિનું નહિ, મન:સ્થિતિનું હોય છે. બાહ્ય આચરણ ગમે તેવું હોય, વ્યક્તિ અંદરથી સુસંસ્કારી છે કે નહિ તેના ઉપર તેનું મૂલ્યાંકન કરાય છે.”
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૧૯૯૧
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6