રાજા અશ્વોષ વૈરાગ્ય લઈને ઇશ્વરનાં દર્શન કરવાની ઈચ્છાથી દેશદેશાંતરોમાં ભ્રમણ કરતા હતા. તીર્થયાત્રાથી કે દેશદર્શનથી એમને શાંતિ ન મળી.
કથા-પ્રવચન સાંભળતા રહ્યા, પરંતુ એનાથી પણ કંઇ અર્થ ન સર્યો. સાધનામાં મન લાગ્યું નહીં. તેઓ પરિભ્રમણ કરતા કરતા એક ખેડૂતના ખેતરમાં જઈ પહોંચ્યા. ખેડૂત ખૂબ પ્રસન્ન અને સંતુષ્ટ દે ખાતો હતો. તે મસ્તીથી ગીત ગાતો હતો અને હળ ચલાવતો હતો.
રાજા અશ્વોષ ત્યાંજ બેસી ગયા અને ખેડુતને કહ્યું કે મને પણ તારા જેવો જ સંતોષ તથા શાંતિ આપ. ખેડૂતે બધી વાત જાણી. તે રાજાની મુશ્કેલી સમજયો. રાજાને એક વૃક્ષ નીચે બેસાડયો. એની પાસે જે ભાત હતા તેમાંથી બંનેએ અડધા અડધા ખાધા પેટ ભરાઈ ગયું તેથી બંનેને ગાઢ ઊંઘ આવી ગઈ અને વૃક્ષની છાયામાં તેઓ લાંબા સમય સુધી ઊધ્યા.
બંને લગભગ એક સાથે જાગ્યા. ખેડૂતે કહ્યું કે જો મહેનત કરીને કમાઇએ અને વહેંચીએ તો જ્ઞાનીઓ તથા વૈરાગીઓ ઇચ્છે છે એવી શાંતિ મળી શકે.
રાજાની આંખો ખૂલી ગઈ. ખેડૂતે એને કહ્યું હતું એ પ્રમાણેનું જીવન એ જીવવા લાગ્યો.
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૧૯૯૩