બાળક ઈશ્વરચંદ્ર પોતાના પિતા ઠાકુરદાસ સાથે વીરસિંહ નામના ગામડેથી કલકત્તા જઈ રહ્યા હતા, ગામથી કલકત્તા સુધી પાકી સડક હતી. ખાસ્સા દૂર ગયા પછી જમીનમાં ખોડેલા પથ્થર તરફ બાળકનું ધ્યાન ગયું. તેની ઉપર કાળા અક્ષરે કશુંક લખ્યું હતું. તે જોઈને બાળકે પૂછ્યું, “આવા પથ્થરો ઠેકઠેકાણે શા માટે ઊભા કર્યા છે ?”
પિતાએ સમજાવ્યું, “બેટા, આ માઈલસ્ટોન છે. એનાથી અમુક જગ્યા અહીંથી કેટલી દૂર છે તેની ખબર પડે છે. આ પથ્થર ઉપર અંગ્રેજીમાં કલકત્તા અહીંથી ૧૯ કિ.મી. દૂર છે એમ લખ્યું છે.”
આમ વાતોમાં ને વાતોમાં લગભગ ૧૦ કિ.મી. પસાર થઈ ગયા. દરેક પથ્થર આવે ત્યારે બાળક પૂછતો, “પિતાજી, આ શું લખ્યું છે ?” એ રીતે એના મગજમાં અંગ્રેજી આંકડાની રચના ગોઠવાતી જતી હતી. એમ કરતાં કરતાં પ્રવાસ દરમ્યાન તેને અંગ્રેજી ગણતરીનો પૂરેપૂરો ખ્યાલ આવી ગયો.
સાંજ સુધીમાં બાપ-દીકરો કલકત્તા પહોંચી ગયા અને શેઠ જગદુર્લભસિંહને ઘરે ઉતાર્યા. સવારે તેઓ શેઠની દુકાને ગયા. ત્યાં શેઠે ઠાકુરદાસને અમુક હિસાબો તપાસવા આપ્યા. તે છોકરો પણ બાજુમાં બેઠો બેઠો હિસાબો જોતો રહ્યો. જ્યારે હિસાબો મેળવીને પિતાએ શેઠને પાછા આપ્યા ત્યારે ઈશ્વરચંદ્રે કહ્યું, “આવી ગણતરી તો મને પણ આવડે છે.” છોકરાની વાત સાંભળીને શેઠે ઠાકુરદાસને પૂછ્યું, “શું તમારા દીકરાએ ક્યાંયથી અંગ્રેજીનું શિક્ષણ મેળવ્યું છે ?’
“ના રે ના, એ જ્યારે કોઈ કાર્યને એકધ્યાનથી જોઈ લે છે અને સમજવાનો પ્રયત્ન કરે છે તો તેને તે આવડી જાય છે.” છોકરાને તેની આ પ્રતિભાનું કારણ પૂછતાં તેણે જવાબ આપ્યો, “કોઈ બાબત ઉપર સંપૂર્ણ એકધ્યાન થઈ જવાથી તે ગમે તેટલું મુશ્કેલ હોવા છતાં સરળ બની જાય છે.” આ છોકરો આગળ જતાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર તરીકે પ્રખ્યાત થયો.
યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૧૯૯૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6