એક ગીધ હતું. તેના માતાપિતા આંધળા હતાં. આખું કુટુંબ પર્વત પર આવેલા એક ઝાડની બખોલમાં હેતું હતું. ગીધ રોજ સવારે નીકળી પડતું, પોતાનું પેટ ભરતું અને પોતાના અંધ માબાપ માટે પણ માંસના ટુકડા શોધી લાવતું હતું. કેટલાક દિવસો સુધી આ ક્રમ ચાલતો રહ્યો. પરંતુ બધા દિવસો કાંઈ સરખા હોતા નથી.
એક દિવસ એ ગીધ નદીના કિનારે પારધીએ બિછાવેલી જાળમાં ફસાઈ ગયું. તેણે છૂટવા માટે ઘણાં ફાંફાં માર્યાં પણ તે છૂટી ના શક્યું. ગીધને પોતે જાળમાં ફસાઈ ગયો તેની ચિંતા કરતાં પોતાના માતાપિતા ભૂખે મરશે એની ચિંતા વધારે હતી. તે ખૂબ વલોપાત કરવા લાગ્યું. પારધીએ આ જોઈને તેની પાસે જઈને તેની ચિંતાનું કારણ પૂછ્યું, “બીજાં ગીધ તો રોતાં નથી તો પછી તું શું કામ આટલો વ્યથિત થાય છે ?’ ગીધે પોતાની વીતક કહી.
પારધીએ મહેણું માર્યું, “અરે ગીધ, ગીધની દ્રષ્ટિ તો આકાશમાં ખૂબ ઊંચે ઊડતાં ઊડતાં પણ જમીન પર પડેલા માંસના ટુકડાને જોઈ લે તેવી તીક્ષ્ણ હોય છે. તો પછીતું સાવ પાસે બિછાવેલી જાળને પણ કેમ જોઈ શક્યો નહીં. એ નવાઈની વાત છે.” જવાબમાં ગીધ બોલ્યું, “પારધી, જયાં સુધી બુદ્ધિ પોતાના વશમાં હોય ત્યાં સુધી માણસ કોઈ પ્રપંચમાં ફસાતો નથી. પરંતુ જ્યારે બુદ્ધિ ઉપર લોભ છવાઈ જાય છે ત્યારે ધોડો રસ્તો ભૂલી જાય છે અને અસવારને પણ ભડકાવી મુકે છે. જિંદગીભર માંસના લોચા પાછળ ભાગતાં ભાગતાં મારા માટે હવે માંસના લોચા જ સર્વસ્વ બની ગયા છે. એના સિવાય બીજુ કાંઈ દેખાતું જ નથી. દ્રષ્ટિ જ્યારે સંકીર્ણ થઈ જાય છે ત્યારે સાચો માર્ગ પણ સૂઝતો નથી. હું જાળ ન દેખી શક્યો તેનું કારણ આ જ છે. પરંતુ હવે જ્ઞાન લાધવાથી શું વળે ? આપણું કરેલું આપણે ભોગવે જ છુટકો.
ગીધની વાત પારધીના ગળે ઊતરી ગઈ. તેણે પ્રસન્ન થઈને કહ્યું, “ગીધરાજ, હું તમને મુક્ત કરું છું. જાવ જઈને આંધળા માતાપિતાની સેવા કરો. આજે તમે મારી આંખો ખોલી નાખી છે.”
માણસ પણ એના જીવનમાં બરાબર આવી જ ભૂલો કરતો હોય છે. જે અગમચેતી દાખવે છે તે જીવતા જીવ પોતાની જવાબદારીઓમાંથી મુક્ત થઈ જાય છે.
યુગ શક્તિ ગાયત્રી, ઓક્ટોબર ૧૯૯૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6