એક રાજા પંડિતો અને વિદ્વાનોને ઘણુંખરું પ્રશ્ન પૂછ્યા કરતો હતો કે સંસારમાં સૌથી મોટું કર્તવ્ય ક્યું છે ? આ પ્રશ્નના ઉત્તરમાં વિદ્વાનોએ તેને જુદાજુદા જવાબ આપ્યા પણ કોઈનાય ઉત્તરથી રાજાને સંતોષ ન થયો.
એક દિવસ તેઓ શિકાર રમવા જંગલમાં ગયા. એક જાનવરનો પીછો કરતાં કરતાં તેઓ રસ્તો ભૂલી ગયા. ભીષણ ગરમીને કારણે તેમને ચક્કર આવવા લાગ્યાં. શોધખોળ કરતાં તેમને એક આશ્રમ દેખાયો જ્યાં એક સંત ધ્યાનસ્થ હતા. રાજા તેમને પોકારતાં જ બેહોશ થઈ ગયા. હોશમાં આવતાં તેણે જોયું કે સંત તેના મુખ પર પાણીનો છંટકાવ કરી રહ્યા હતા. રાજાએ વિનમ્રતાથી કહ્યું – ભગવન્ ! આપ તો સમાધિમાં લીન હતા. આપે મારા માટે સમાધિનો ભંગ શું કામ કર્યો?
સંતે રાજાને કહ્યું – રાજન્ ! આપના પ્રાણ સંકટમાં હતા. આવા સમયમાં મારા માટે ધ્યાનને બદલે આપની સહાયતા માટે તત્પર થવાનું વધારે મહત્ત્વપૂર્ણ હતું, સમય અને પરિસ્થિતિને જોઈને જ કર્તવ્યનું નિર્ધારણ કરવું જોઈએ.
તેમના આ કથનથી રાજાની જિજ્ઞાસા પણ શાંત થઈ ગઈ કે સર્વોપરિ કર્તવ્યનો નિર્ણય પરિસ્થિતિને જોઈને જ કરી શકાય છે.
યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૨૦૧૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6