સન્ ૧૯૪૯ની વાત છે. એ વખતે સ્વર્ગીય લાલબહાદુર શાસ્ત્રી ઉત્તરપ્રદેશના ગૃહમંત્રી હતા. એક દિવસ લોકનિર્માણ વિભાગના કેટલાક કર્મચારી તેમના નિવાસસ્થાને કૂલર લગાડવા માટે આવ્યા. બાળકોને ખૂબ જ પ્રસન્નતા થઈ કે હવે ગરમીના દિવસો સારી રીતે પસાર થશે.
સાંજે જ્યારે શાસ્ત્રીજી ઘેર આવ્યા તો એમને ખબર પડી કે કૂલર મૂકવામાં આવી રહ્યું છે. એમણે તરત જ વિભાગીય કર્મચારીઓને ટેલિફોન પર મનાઈ કરી દીધી. પત્નીએ કહ્યું- “જે સુવિધા માગ્યા વિના મળી રહી છે તેની મનાઈ કરવાની શું જરૂર છે ?”
“એ જરૂરી નથી કે હું સદાને માટે મંત્રીપદે જ રહીશ, પછી એની ટેવ પડી જશે. કાલે દીકરીઓનાં લગ્ન કરવાનાં છે, માની લો કે લગ્ન બાદ આવી સુવિધાઓ ન મળી તો એમને દુઃખ જ થશે, કોને ખબર એમને કેવી સ્થિતિમાં રહેવું પડે.” શાસ્ત્રીજીએ કહ્યું.
શાસ્ત્રીજીએ પોતાની માતા પાસેથી જ સંપૂર્ણ શિક્ષણ લીધું હતું અને એવું જ પોષણ પોતાના કુટુંબમાં પણ આપ્યું, જેથી બાળકો સદ્ગુણી બની શકે, પિતાના પદનો લાભ ઉઠાવી સુવિધાઓથી ટેવાઈ ન જાય અને દરેક પરિસ્થિતિમાં પોતાને ઢાળી શકે. એ જ કારણે તેઓ પોતે રાષ્ટ્રના સર્વોચ્ચ પદે પહોંચી શકવામાં સફળ થયા અને પોતાનાં બાળકોને પણ સંસ્કાર આપી શક્યા.
યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૨૦૦૦
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6