રાજગૃહમાં ધન્ય નામના બુદ્ધિમાન શેઠ રહેતા હતા. તેમનાં પત્નીનું અવસાન થઈ ગયું. તેમની ચાર પુત્રવધૂઓ હતી. ધન્યશેઠે વિચાર્યું કે ચારે વહુઓને પારખીને તેમાંથી કોઈ એકને ઘરની બધી જવાબદારી સોંપવામાં આવે. આ વિચાર સાથે તેમણે ચારે વહુઓને અનાજના પાંચ – પાંચ દાણા આપતાં કહ્યું કે આને સંભાળીને રાખજો અને જ્યારે હું માગું ત્યારે મને પાછા આપજો. ચારે વહુઓ દાણા લઈને ગઈ. મોટી વહુએ વિચાર્યું કે રાજગૃહના ભંડારમાં ઘણું ધાન પડ્યું છે. તેથી જ્યારે સસરાજી માગશે ત્યારે તેમાંથી લઈને આપી દઈશ. બીજી અને ત્રીજીએ પણ એમ જ વિચાયુ, તેથી એ ત્રણેય વહુઓએ પોતાના દાણા તે ભંડારમાં નાંખી દીધા.
ચોથી વહુએ વિચાર્યું કે સત્કર્મ કરવાથી તે વધે છે. તેથી તેણે પાંચેય દાણા ખેતરમાં વાવી દીધા, તેમાંથી તે પાક ઊગ્યો તેને પણ ફરીથી ખેતરમાં વાવી દીધા. પાંચ વર્ષ પછી શેઠજીએ વહુઓ પાસે દાણા પાછા માગ્યા. મોટી ત્રણ વહુઓએ ભંડારમાંથી લઈને પાછા આપ્યા પણ ચોથી વહુએ આખી વાત જણાવી અને કહ્યું કે – પિતાજી ! તે પાંચ દાણા અસંખ્ય દાણાઓમાં ફેરવાઈ ગયા છે અને તેને એક બીજા ભંડારમાં રાખવા પડ્યા. તેની વાત સાંભળીને શેઠ બહુ ખુશ થયા અને બોલ્યા – પુત્રી ! જે રીતે અનાજના દાણા વાવવાથી વધી ગયા, તે જ રીતે પુણ્ય – સેવા અને પરોપકારથી વધે છે. મને તારા પર વિશ્વાસ છે કે તું આપણા પરિવારની પુણ્યસંપત્તિ વધારીશ. તેમણે નાની વહુને ઘરની માલિકણ બનાવી દીધી.
યુગ શક્તિ ગાયત્રી, ઓગસ્ટ ૨૦૧૭