એક રાજા વિદ્વાનોનું ખૂબ સન્માન કરતો હતો. એક પંડિતને મનમાં જિજ્ઞાસા થઈ કે પંડિત પોતાની વિદ્વત્તાના કારણે સન્માન પામે છે કે આચરણના કારણે. તેણે તેની પરીક્ષા કરવાનું નક્કી કર્યુ. તેણે મંત્રીની હાજરીમાં રાજકોશમાંથી એક સિક્કો ઉપાડીને ખિસ્સામાં મૂકી દીધો. બીજા દિવસે ફરીથી બે સિક્કા ઉપાડીને ખિસ્સામાં સરકાવી દીધા.
મંત્રીએ જોયું તો વિચાર્યું કે જો આ રોજ સિક્કા લેતો રહે, તો એક દિવસ ચોરીનો આરોપ તેના પર આવશે. તેણે રાજાને કહ્યું, “આપ જેને મહાન વિદ્વાન કહીને સન્માન આપો છો, એ પંડિતજીએ બે વખત સિક્કાની ચોરી કરી છે.
રાજાએ તે જ વખતે પંડિતજીને જેલની સજા ફટકારી દીધી. ત્યારે પંડિતજી બોલ્યા, “મહારાજ ! મેં સિક્કાના લોભમાં ચોરી નથી કરી. હું એ જોવા માગતો હતો કે વિદ્વાનની પૂજા તેના જ્ઞાનના કારણે થાય છે કે આચરણના કારણે. તેનો ઉત્તર મેળવવા માટે મેં સિક્કાની ચોરીનું નાટક કર્યું. મને ખબર પડી ગઈ કે સાચું સન્માન મેળવવા માટે જ્ઞાનીની સાથે સદાચારી હોવું પણ જરૂરી છે. જ્ઞાની જો સદાચારી ન હોય, તો તે સન્માનનો હકદાર હોઈ શકતો નથી.”
રાજા બોલ્યો, “પંડિતજી ! આપ સાચું કહો છો. સદાચાર સર્વોપરિ ગુણ છે. સદાચારી દરેક ક્ષેત્રમાં સન્માન મેળવે છે. જ્યારે અપ્રામાણિક કોઈક ને કોઈક દિવસ પોતાનો સર્વનાશ કરી નાંખે છે.”
યુગ શક્તિ ગાયત્રી, ઑકટોબર ૨૦૦૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6