એક વાર એક સંતને કેટલાક શિષ્યોએ પ્રશ્ન કર્યો – ગુરુદેવ ! દેવી ભગવતીની કૃપા પ્રાપ્ત કરવાનો અધિકારી કોણ હોય છે ? દેવીને પ્રસન્ન કરવાના ઉપાયો ક્યા છે ?
સંત બોલ્યા – શિષ્યો ! સદાચાર જ સૌથી મોટો ધર્મ છે. દેવીની આરાધના કરનારે સદાય સદાચારનું પાલન કરવું જોઈએ. તે આયુ, ધન અને સંપત્તિને વધારે છે અને આત્મિક આનંદની પ્રાપ્તિ કરાવે છે. દેવીના ઉપાસકે બ્રાહ્મમુહૂર્તમાં જાગીને સદાચાર સંબંધી નિયમોનું પાલન કરવું જોઈએ. તે સમયે સૂનારાઓની તમામ ક્રિયાઓ નિષ્ફળ થઈ જાય છે. પ્રાતઃકાલીન સ્નાન પછી સંધ્યાવંદન તથા ગાયત્રીનો જપ કરનાર અનોખા સુખ – સંતોષ પ્રાપ્ત કરે છે. તેને મા ભગવતીના સાક્ષાત્ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
સંત આગળ બોલ્યા – શ્રીમદ્ દેવીભાગવતમાં કહેવાયું છે કે લોકોએ ધર્મમય જીવન વિતાવવું જોઈએ. દુષ્ટોની સોબતનો ત્યાગ કરીને પ્રતિદિન દાન આપતા રહેવું જોઈએ.
દયા સમાન કોઈ પુણ્ય નથી અને હિંસા સમાન કોઈ પાપ નથી. જે બધાં પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખે છે, અતિથિઓને સંતુષ્ટ રાખે છે, વૃદ્ધો અને માતા-પિતાની સેવા કરે છે, તેના પર મા ભગવતી શીઘ્ર પ્રસન્ન થાય છે.
યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૨૦૧૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6