એક યુવાને સપનામાં જોયું કે, તે કોઈ મોટા રાજ્યનો રાજા બની ગયો છે. સપનામાં આવો ઓચિંતો વૈભવ મળેલો જોઈને તેના આનંદનો પાર ના રહ્યો. સવારે પિતાએ કામધંધે જવાનું કહ્યું, માતાએ લાકડાં કાપી લાવવાનું કહ્યું, પત્નીએ બજારમાંથી સરસામાન લાવવાની સૂચના આપી. પરંતુ યુવાને એક પણ કામ કર્યું નહીં અને જવાબ આપ્યો, “હું તો રાજા છું. હું કોઈ કામ કેવી રીતે કરી શકું ?”
ઘરના માણસો પરેશાન થઈ ગયા કે આનો ઉપાય શો કરવો ? ત્યારે નાની બહેને મામલો સંભાળી લીધો. તેણે રસોડામાં બોલાવીને વારાફરતી બધાને જમાડી દીધાં. માત્ર કાલ્પનિક રાજાને જ બાકી રાખ્યો. સાંજ પડી ગઈ. ભૂખથી આંતરડાં કકડવા માંડ્યાં. છેવટે રહેવાયું નહીં ત્યારે અકળાઈને તેણે બહેનને કહ્યું, “કેમ અલી, મને જમવા કેમ નથી આપતી ?” બહેને મોઢું ફૂલાવીને કહ્યું, “રાજાધિરાજ, રાત પડવા દો, આકાશમાંથી પરીઓ ઊતરીને તમારે લાયક ભોજન લાવશે. અમારા લુખ્ખા ભોજનથી તમને સંતોષ થોડો થશે ?’
વાહિયાત કલ્પનાઓમાં રાચતા યુવાને હાર સ્વીકારીને શાશ્વત અને સનાતન સત્ય સ્વીકારી લીધું. અંતે ઉદ્યમી બનીને કાયમ પુરુષાર્થમાં લાગેલા રહેવાનું વચન આપ્યા પછી જ બહેને ભોજન કરાવ્યું.
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૧૯૯૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6