ઊગતા પરોઢે આનંદ બુદ્ધ પાસે જઈતે બોલ્યો – “ ભગવન્, તમે જુઓ છો ને ? સૂરજ ઊગી રહ્યો છે, પક્ષીઓ કલરવ કરી રહ્યાં છે. મંદ મંદ પવન લહેરાઈ રહ્યો છે, કોયલ ટહૂકી રહી છે. જાતજાતનાં ફૂલો ખીલી રહ્યાં છે. શું આ બધું સુંદર નથી ?”
બુદ્ધ પ્રશ્ન સાંભળીને ચૂપ રહ્યા. જવાબ ન મળવાથી આનંદે ફરી પૂછ્યું, “શું મારો પ્રશ્ન તર્કસંગત નથી ? મેં જે કાંઈ જોયું છે તે સુંદર નથી ? તમે જવાબ કેમ નથી આપતા ? ”
બુદ્ધે ચારે બાજુ જોયું, આનંદ તરફ પણ જોયું, મલકાયા અને મૌન થઈ ગયા. આનંદે ફરીથી પૂછ્યું; “પ્રભુ, બીજું કાંઈ નહીં તો મારે જવાબ નથી આપવો, એટલું તો કહો.” ત્યારે બુદ્ધે મૌન તોડીને જવાબ આપ્યો, “આનંદ ! મને તો સર્જનહારનો અણુએ અણુ પરમ સૌંદર્ય અને આનંદથી ભરપૂર લાગે છે, મારા મનમાંથી રૂ૫-કુરૂપ, સુંદર-અસુંદર એવો ભેદભાવ દૂર થઈ ગયો છે. હવે હું મારી ભેદભાવભરી દૃષ્ટિ મુજબ ‘હા’ કે ‘ના’ તો જવાબ આપવા માટે અસમર્થ છું. હવે તો ગુલાબ, ચંપો, ફૂલ અને કાંટા – બધું એકસરખું જ સુંદર જણાય છે. મારી ભેદભાવભરી દૃષ્ટિ નાશ પામી છે.” તે દિવસથી આનંદને વિચારવાની સાચી રીત સમજાઈ ગઈ.
યુગ શક્તિ ગાયત્રી, મે ૧૯૯૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6