Home year2017 સર્વોચ્ચ ધર્મ

સર્વોચ્ચ ધર્મ

by Akhand Jyoti Magazine

Loading

સર્વોચ્ચ ધર્મના સંબંધમાં બુદ્ધિમાનો અને વિદ્વાનોમાં વાદ-વિવાદ ચાલી રહ્યો હતો. આ વાદ – વિવાદને ચાલતાં સારોએવો સમય વીતી ચૂક્યો હતો, પરંતુ કોઈ સાર્થક નિષ્કર્ષ નીકળી શકતો ન હતો. આમ પણ બુદ્ધિમાનો અને વિદ્વાનોની અભિરુચિ સાર્થકતા મેળવવા અને નિષ્કર્ષ પર પહોંચવા કરતાં ક્યાંય વધારે વાદ – વિવાદ અને તાર્કિકતામાં હોય છે, અન્યથા ધર્મ તો બસ એક જ શાશ્વત અને સનાતન છે.

એટલું અવશ્ય હતું કે જે લોકો વાદ – વિવાદમાં સામેલ હતા, તેઓ ધર્મના સત્યથી પરિચિત ન થઈ શકવાને કારણે અધર્મમાં જીવી રહ્યા હતા.

સર્વોચ્ચ ધર્મ પર વાદ અને વિવાદ કરનારા આ લોકોમાં કેટલાક એવા પણ હતા જેમને ખરેખર ધર્મ પ્રત્યે જિજ્ઞાસા હતી.

ત્યાંથી પસાર થતા એક ફકીરને તેમના પર દયા આવી ગઈ. તેમણે એ બધાને કહ્યું – “નજીકમાં નદી છે. આપણે લોકો નદીને સામે પાર જઈએ અને ત્યાં બેસીને ધર્મની સર્વોચ્ચતા પર ચર્ચા કરીએ.” બધાએ સંમતિ દર્શાવી અને ચાલવા માંડ્યું. નદીના કિનારે અનેક નાવ હતી. ફકીરે પૂછ્યું – “કઈ નાવથી સામે પાર જઈશું ?’ એ બધા જે નાવ વિશે કહેતા, તે ફકીર તેમાં કોઈક દોષ કાઢી બતાવતા. એ જોઈને તેમનામાંના એક સાચા જિજ્ઞાસુએ કહ્યું – “મહાત્મન્ ! આપણે તો નાનકડી નદી પાર કરવાની છે, એમાં આટલો વાદ – વિવાદ શા માટે ? નદી તો આપણે તરીને પણ પાર કરી શકીએ છીએ. નકામો વિલંબ શું કામ કરી રહ્યા છીએ ? ફકીરે હસતાં હસતાં કહ્યું – “આ જ તો આપની સમસ્યાનો ઉકેલ છે. જીવન સાગરને સાધક પોતાની સાધનાથી પાર કરે છે, વાદ – વિવાદથી નહિ, સાધના જ ધર્મનો સાર અને સર્વોચ્ચ ધર્મ છે.”

યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૨૦૧૭

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like