લિંચી ચીનના પ્રખ્યાત દાર્શનિક કોન્ફ્યુશિયસના સમકાલીન હતા અને તેમના સન્માનને પાત્ર પણ હતા.
તેઓ હંમેશા કહેતા હતા કે ભગવાન ફક્ત લિંચીની પ્રાર્થનાઓ જ સાંભળે છે. કોન્ફયુશિયસનો એક શિષ્ય વાતની ખાતરી કરવા માટે લિંચીને મળવા ગયો. તેણે લિંચીને તેમની દિનચર્યા વિશે પૂછ્યું. લિંચીએ હસીને કહ્યુ કે હું તો એક સામાન્ય ખેડૂત છું. આખો દિવસ ખેતરમાં પસાર થઈ જાય છે. જ્યારે ભૂખ લાગે ત્યારે ખાઈ લઉં છું અને ઊંઘ આવે ત્યારે સૂઈ જાઉં છું. ભગવાનને માટે અલગથી સમય કાઢીને શી પ્રાર્થના કરવાની ? આ બધું તો એમનું જ છે, એમને જ સમર્પિત છે.
શિષ્ય તેમની આવી બધી વાતો સાંભળીને નિરાશ થઈ ગયો. તેણે પોતાના ગુરુ પાસે જઈને આ બધું વિવરણ સંભળાવ્યું.
કોન્ફ્યુશિયસે કહ્યું કે વત્સ ! જેનું જીવન જ ભગવાનની પ્રાર્થના બની ગયું હોય તેણે અલગથી ભક્તિનો આડંબર કરવાની શી જરૂર ? સાચો ભક્ત તો પરમાત્માને અંતરથી પોકાર છે, બહારનાં સાધનોથી નહિ. શિષ્ય સમજી ગયો કે સાચી ભક્તિ તો અંતરાત્માથી ભગવાનને પોકારવામાં જ છે, બાહ્ય પૂજાપાઠમાં નથી.
યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૨૦૨૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6