નદી કિનારે ચાર સહેલીઓ રહેતી હતી- ગરોળી, ઉંદરડી, શિયાળ અને બકરી. ચારે સાથેસાથે રહેતી અને એક્બીજા સાથે હસતી-હસાવતી. એક દિવસ તેમને નદી પાર જવાનું અને સહેલ કરવાનું મન થયું. એક કાચબો ત્યાં જ રહેતો હતો. ચારેએ કહ્યું, “અમે પાકી બહેનપણીઓ છીએ, ભાઈ કાચબા ! તું અમને ચારેને પીઠ પર બેસાડીને નદી પાર કરાવી દે, તો ઘણી મહેરબાની.”
કાચબાએ પહેલાં તો આનાકાની કરી, પણ સાચી સહેલીઓ હોવાની વાત તેને ખૂબ ગમી. તેણે કહ્યું, “જો એમ વાત છે, તો તમે ચારે મારી પીઠ પર બેસી જાઓ, હું તમને નદી પાર કરાવી દઈશ.”
ચારેય પીઠ પર સવાર થયાં. કાચબો ચાલી નીકળ્યો. કાચબો ઘણે દૂર ગયા પછી બોલ્યો, “વજન ખૂબ થઈ ગયું છે, તમારામાંથી એકે ઊતરવું પડશે. મારાથી આ ભાર ખેંચી શકાતો નથી.” ઉંદરડીએ ગરોળીને પાણીમાં ધકેલી દીધી.
થોડેક દૂર ગયા પછી કાચબાએ હજુ એકને ઉતારવાની વાત કરી, શિયાળે ઉંદરડીને પાણીમાં ઉતારી દીધી.
થોડેક આગળ ગયા પછી બીજા એકને ઉતારવાનો આગ્રહ થયો. બકરી શિયાળ કરતાં જાડી હતી, તેણે શિયાળને મઝધારમાં ધકેલી દીધું. હવે બકરી એકલી જ રહી.
કાચબાએ કહ્યું, “તમે ચારે તો પાકી બહેનપણીઓ હતી. ત્યારે સૌએ સાથે જ પાર થવું હતું ને ! જ્યારે બળવાન દ્વારા નિર્બળને ધકેલી દેવાની પરંપરા ચાલી રહી છે, ત્યારે તમારી આ મિત્રતા જૂઠી સાબિત થઈ ને ! મેં તો સાચી સહેલીઓને પાર કરાવવાનો વાયદો કર્યો હતો.” આમ કહીને કાચબાએ ઊંડી ડૂબકી મારી અને બકરીને પહેલાં
ત્રણની જેમ ડુબાડી દીધી.
યુગ શક્તિ ગાયત્રી, ડિસેમ્બર ૨૦૦૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6