પંઢરપુરના વિઠ્ઠલ મંદિરમાં અનેક ભકતોની લાંબી લાઇન લાગી હતી. લોકો સ્તુતિ કરતા અને ભેટ ચડાવીને ચાલ્યા જતા હતા. લક્ષ્મીજીએ ભગવાનને કહ્યું કે આટલા બધા ભકતો આવ-જાવ કરી રહ્યા છે, છતાં આપ નીચી દ્રષ્ટિ રાખીને ઉદાસ કેમ ઊભા છો ?
ભગવાને કહ્યું. દેવી ! મેં અંત સુધી નજર નાખીને જોઇ લીધું, સૌ પોતપોતાના સ્વાર્થ માટે આવ્યા છે. મારા માટે એક પણ આવ્યો નથી. મારા માટે જે કોઇ આવે છે તેને જોઇને મારી આંખો દ્રવિત થઇ જાય છે, હ્રદય પુલકિત થઇ ઊઠે છે.
લક્ષ્મીજી ઉદાસ થતાં બોલ્યાં, “શું એવું કોઇપણ નથી, જે આપણા માટે આપણી પાસે આવે ?” ભગવાને કહ્યું, “એક તુકારામ છે, પણ તે બીમાર પડયો છે. ચાલીને અહીં આવી પણ શકતો નથી. ખાટલામાં દર્શન માટે વ્યાકુળ થઇને પડયો છે. લક્ષ્મીજીની ઉદાસીનતા ગાયબ થઇ ગઇ. તેઓ બોલ્યાં. “પ્રભુ! તો ચાલોને, આપણે જ એને દર્શન આપી આવીએ.
મંદિરમાં મૂર્તિ સમક્ષ દર્શનાર્થીઓની ભીડ જામેલી હતી. દર્શન માટે પડાપડી થતી હતી, જયારે ભગવાન તો સાચા દર્શનાર્થીઓની શોધમાં તુકારામના પલંગની સામે ઊભા હતા.
યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર ૧૯૮૯
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6