એક વાર રામકૃષ્ણ પરમહંસને એક શિષ્યે પૂછ્યું, “ગુરુદેવ ! શું કારણ છે કે એક વ્યક્તિ એક મંત્ર, એક ઉપાસના-પ્રક્રિયા અપનાવીને એક ચમત્કારી સામર્થ પ્રાપ્ત કરી લે છે, રિદ્ધિઓ, સિદ્ધિઓનો સ્વામી બની જાય છે, જ્યારે બીજી વ્યક્તિને કોઈ વિશેષ લાભ નથી મળી શકતો ?”
પરમહંસે જવાબમાં એક કથા સંભળાવી, જે આ પ્રમાણે હતી—“કોઈ રાજયના મંત્રીએ પોતાના જપ, તપથી વિશેષ આધ્યાત્મિક શક્તિ મેળવી લીધી. એની ચમત્કારી વિશેષતાઓની સૂચના રાજાને મળી. રાજાએ મંત્રીને બોલાવીને રહસ્ય પૂછ્યું તો એણે બતાવ્યું, આ બધું ગાયત્રી મંત્રની ઉપાસનાનો ચમત્કાર છે. એની ઉપાસના, સાધનાથી બધું જ પ્રાપ્ત કરવું સંભવ છે.
રાજા પણ મંત્ર અને સંબંધિત વિધિ- વિધાન પૂછીને ઉપાસના કરવા લાગ્યા. એક વર્ષ સુધી એ તપ કરતા રહ્યા, પરંતુ એમને એ ઉપલબ્ધિઓ ન મળી શકી જે મંત્રીને મળી હતી. નિરાશ થઈ એક દિવસ મંત્રીને બોલાવીને કારણ પૂછ્યું. મંત્રીએ જવાબ આપવાને બદલે રાજ્યના એક કિશોરવયના છોકરાને બોલાવ્યો અને કહ્યું – “બેટા ! રાજાના ગાલ પર એક તમાચો લગાવ.” પોતાની આજ્ઞાને મંત્રીએ વારંવાર કહી, પરંતુ બાળક પોતાના સ્થાનેથી જરા પણ ખસ્યો નહીં.
મંત્રીની ધૃષ્ટતા અને ઉદંડતા જોઈ રાજાનો ચહેરો તમતમી ઊઠ્યો. એમણે છોકરાને કડક સ્વરમાં નિર્દેશ કર્યો – “આ મંત્રીને બે તમાચા માર” છોકરાએ તરત બે તમાચા લગાવી દીધા, રાજાનો ચહેરો હજી પણ ક્રોધના આવેશમાં તમતમી રહ્યો હતો.
મંત્રીએ નમ્રતાથી જવાબ આપ્યો, “રાજન્ ! ધૃષ્ટતા માટે ક્ષમા કરશો. આ બધું આપના સમાધાન માટે કરવામાં આવ્યું હતું. આપના સવાલનો આ જ જવાબ છે. વાણી દ્વારા કહેવામાં આવેલ વાત યોગ્ય વ્યક્તિની જ માનવામાં આવે છે. મંત્રજપથી પાત્રતા વિકસિત થયા બાદ જ ચમત્કાર થઈ શકે છે.”
આ કથા સંભળાવ્યા બાદ રામકૃષ્ણ પરમહંસે કહ્યું – “ઉપાસનાનું, મંત્રજપનું ચમત્કારી પ્રતિફળ એમને જ મળી શકે છે જેમણે પોતાના ગુણ, કર્મ, સ્વભાવને પરમાત્માને અનુરૂપ ઢાળી લીધાં છે.”
યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૧૯૯૯
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6