એક બહુરૂપી દરરોજ નવા વેશ બદલીને રાજાનું મનોરંજન કરતો અને ઇનામ મેળવતો.
એક દિવસ રાજાએ કહ્યું – એવો વેશ બનાવો કે પકડમાં ન આવે, હજાર રૂપિયાનું ઈનામ મળશે.
બહુરૂપી ચાલ્યો ગયો નગરની બહાર એક ઝાડ નીચે આસન જમાવ્યું. કપડા ઉતાર્યા અને ભસ્મ લગાડી મૌન ધારણ કરી ધૂણી ધખાવી. લોકોને કોઈ તપસ્વી આવ્યાની ખબર મળતાં દર્શન કરવા આવવા લાગ્યા. એની ખ્યાતિ રાજાના કાન સુધી પહોંચી. રાજા કિંમતી ભેટ સોગાદ લઈને દર્શન કરવા આવ્યા. તપસ્વીએ એ બધી ભેટ સામગ્રી વહેંચી દીધી. એ જોઈને રાજાની શ્રદ્ધા વધી અને એમને ગુરુ બનાવ્યા.
બીજા દિવસે બહુરૂપી દરબારમાં ગયો અને હજાર રૂપિયા ઈનામ માગ્યુ. રાજાએ કારણ પૂછ્યું. બહુરૂપીએ કહ્યું – મહાત્માના રૂપમાં હું જ હતો. તમે મને ગુરુ બનાવ્યો હતો.
રાજા આશ્ચર્ય પામ્યા. એમણે પૂછ્યુ – મેં આપેલી કિમતી ભેટ-સોગાદ કેમ વહેચી દીધી અને નાનુ ઈનામ માગવા આવ્યા ? એનુ કારણ બતાવો.
બહુરૂપીએ કહ્યું – વેશને કલંકિત નથી થવા દીધો. જો મેં મારા માટે ભેટ સ્વીકારી હોત તો સાધુનું ગૌરવ ઓછું થાત અને લાકોની શ્રઢ઼ા ઉઠી જાત લોકો સાચા સાધુઓને પણ શંકાની નજરે જોવા લાગત. સાધુ વેશનું ગૌરવ જાળવવાનું મેં મારુ કર્તવ્ય માન્યું. પરિણામે મારી પૂજા થઇ અને તમે સ્વયં ભેટ સોગાદ લઇને મારી પાસે આવ્યા.
મોં માગ્યું ઇનામ આપીને રાજાએ બહુરૂપીનું સન્માન કર્યું.
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૧૯૮૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6