ભાગવતમાં લખ્યું છે કે, ત્યાગી શિવની ઉપાસના કરવાથી મનુષ્ય ધનવાન બને છે અને લક્ષ્મીપતિ વિષ્ણુનો ઉપાસક નિર્ધન રહી જાય છે. આમાં શિવની કે વિષ્ણુની મહત્તા કે લઘુતા દર્શાવવાનું પ્રયોજન નથી. શિવ અને વિષ્ણુ વસ્તુતઃ બંને એક જ છે, પરંતુ અભિપ્રાય એ છે કે જે લોકો હૃદયમાં શિવરૂપ ત્યાગ અને વૈરાગ્ય રાખે છે તેમની પાસે ઐશ્વર્ય, ધન અને સૌભાગ્ય સ્વયં આવવા માંડે છે અને જેના હૃદયમાં વિષ્ણુરૂપી લક્ષ્મીની અને ભોગવિલાસની લગની છે, તે દારિદ્રયને પાત્ર રહે છે.
જગતમાં મહાન ભૂલ તો એ થાય છે કે, લોકો ‘લેવામાં-ગ્રહણ કરવામાં જ સુખ માને છે.’ પણ સુખપ્રાપ્તિનું ખરું રહસ્ય તેઓ સમજતા નથી કે, ‘લેવામાં નહિ પણ દાન કરવામાં – ત્યાગ કરવામાં જ સર્વ સુખ સમાયેલું છે.’ ફૂલ જે રંગનો ત્યાગ કરે છે એ રંગ જ એની પાસે રહી જાય છે. આ જગતમાં બધા જ રંગો સૂર્યના જ છે. જે ફૂલ સૂર્યના તમામ રંગોને શોષી લે છે તેનો રંગ કાળો છે. મતલબ કે ફૂલ પાછા મોકલેલા રંગવાળું જ જણાશે. વળી જે ફૂલ સાતે રંગોમાંના કોઈને પણ ગ્રહણ ન કરતાં, સર્વને સૂર્યની તરફ પાછા ફેંકી દે છે તે ફૂલનો રંગ શ્વેતવર્ણો થાય છે.
આ જ પ્રમાણે મનુષ્ય તમામ રંગોનો, તમામ દુન્યવી ઇચ્છાઓનો ત્યાગ કરે છે, તેનો આત્મા સમસ્ત સંસારનો આત્મા બની જાય છે.
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૧૯૯૯
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6