એક માણસ ગ્રીસના પ્રસિદ્ધ તત્ત્વજ્ઞાની સોક્રેટિસને મળવા માટે ગયો અને તેમને કહ્યું કે હું આપને શહેરના એક મંત્રી વિશે કંઈક જણાવવા આવ્યો છું. સોક્રેટિસે કહ્યું કે હું તમારી વાત અવશ્ય સાંભળીશ, પરંતુ પહેલાં એ કહો કે તમે જે વાત કહેવા આવ્યા છો તે સંપૂર્ણ સાચી છે?
તે માણસે કહ્યું કે હું એ વિષયમાં ખાતરીથી કશું કહી શકું નહિ કારણ કે મેં કોઈકની પાસેથી એના વિષયમાં સાંભળ્યું છે, આથી તે વાત કેટલી સાચી છે એના વિશે હું સંપૂર્ણ ખાતરી આપી શકું નહિ.
સોક્રેટિસે તેને કહ્યું કે તમે જે વાત કહેવાના છો એના વિશે તમે સત્ય જાણતા નથી, પરંતુ વાત તો કંઈક સારા વિષય બાબતમાં જ હશે. પેલા માણસે કહ્યું કે ના, આ વાત તો તેની બૂરાઈઓ વિશે છે.
સોક્રેટિસે કહ્યું કે તમે જે વાત મને જણાવવાના છો તે કદાચ જ સાચી હશે અને તે કોઈની બૂરાઈ વિશે છે. સારું કાંઈ વાંધો નહિ. એવું પણ બની શકે કે તમે મને જે વાત સંભળાવવા આવ્યા છો એ મારા કોઈક કામની હશે. તે માણસે કહ્યું કે ના, તે આપના કોઈ કામની નથી, પરંતુ હું તો માત્ર એટલુંજ બતાવવા આવ્યો છું કે એ મંત્રીનો સંબંધ કોઈ સ્ત્રી સાથે છે.
સોક્રેટિસે કહ્યું કે મિત્ર ! હું એ જાણીને શું કરીશ ? જે વાતની સચ્ચાઈની તને ખબર નથી, તે સારી નથી અને કોઈ કામની પણ નથી તો પછી તે બતાવીને તું નાહકનો શા માટે પાપમાં પડે છે અને મારો પણ સમય બગાડે છે ? એટલો તું તારા જીવનનો વિકાસ થાય એવા કાર્યમાં ખર્ચે તો સારું.
યુગ શક્તિ ગાયત્રી, જૂન ૨૦૨૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6