કાશી વિશ્વનાથ મંદિરમાં એકવાર શિવરાત્રીના દિવસે આકાશમાંથી એક સોનાનો થાળ ઊતર્યો. એમાં લખ્યું હતું કે શંકર ભગવાન પ્રત્યે જેનો સાચો પ્રેમ હશે, એને જ આ થાળ મળશે.
કાશીરાજે ઢંઢેરો કરી ઘણા લોકોને એકઠા કર્યા અને સાચા પ્રેમીનું આહ્વાન કર્યું.
સૌ પ્રથમ એક શાસ્ત્રીજી આગળ આવ્યા. એમણે કહ્યું – “હું નિત્ય રુદ્રાભિષેક કરું છું અને દર્શન કર્યાં પછી જ ભોજન કરું છું. તેથી થાળ મારા હાથમાં આપો.” થાળ શાસ્ત્રીજીના હાથમાં આવતાં જ પીત્તળનો બની ગયો. આથી શાસ્ત્રીજી શરમાઈ ગયા.
તે પછી કાશીરાજ પોતે આવ્યા અને કહેવા લાગ્યા “में વિશ્વનાથજી પર સોનાનો કળશ સાચા પ્રેમથી ચઢાવ્યો હતો અને શિવરાત્રીએ દર્શન કરવા માટે સાચા ભાવથી આવ્યો છું.” રાજાના હાથમાં મૂક્યા બાદ થાળ લોઢાનો બની ગયો. એથી તેઓ પણ શરમાઈ ગયા. એ પછી એક શેઠજી આવ્યા અને કહ્યું- “વિશ્વનાથજીની જળધારી મેં જ બનાવી છે. ફરસ પર મેં જ રૂપિયા જડાવ્યા છે અને હજારો કોસ દૂરથી પ્રેમવશ અહીં આવ્યો છું. એને થાળ આપ્યા બાદ થાળના એ જ હાલ થયા. હજારો થાળના ઇચ્છુક નિરાશ થઈ ગયા.
એ જ વખતે એક ખેડૂત, જે ઘણા સમયથી શ્રી વિશ્વનાથજીના દર્શનનો ઇચ્છુક હતો, પરંતુ પાસે પૈસા ન હોવાથી કાયમ ખેતીના કામમાં જોડાયેલો રહેતો, તેથી આવી શક્યો ન હતો, પરંતુ આજે એ ઘણા પરિશ્રમથી થોડા પૈસા બચાવીને અને ખાવા માટે સત્તૂ બાંધી આવી રહ્યો હતો. રસ્તામાં એક જગ્યાએ ભૂખ- તરસથી પીડાતો એક મનુષ્ય પડયો હતો, એની તરફ કોઈનું પણ ધ્યાન જતું ન હતું, કેમ કે ઘણા લોકોને સોનાનો થાળ મેળવવો હતો, ત્યારે ભલા એ દરિદ્રનારાયણને કોણ પૂછે ? એ ખેડૂતે પેલા ગરીબને લોટાથી પાણી પીવડાવ્યું, ખાવા માટે સત્તૂ આપ્યું અને નજીકની ધર્મશાળામાં પહોંચાડી આવ્યો. તે પછી એ ખેડૂત કાશી વિશ્વનાથના મંદિરમાં ગયો. મહાદેવજીની પૂજા કરી જ્યારે એ બહાર નીકળી રહ્યો હતો, ત્યારે કોઈએ હસીને કહ્યું “મહાદેવજીનો સાચો ભક્ત આવ્યો છે. માટે થાળ આને જ આપી દો.”
એણે આવું કહ્યા બાદ તરત જ પૂજારીના હાથમાંથી થાળ સરક્યો અને ખેડૂતના હાથમાં સુવર્ણના રંગમાં ચમકવા લાગ્યો. શાસ્ત્રી, રાજા, શેઠ, પૂજારીઓને આશ્ચર્ય થયું. દરિદ્રનારાયણની સેવા જ સાચી ઈશ્વર- ઉપાસના છે.
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૧૯૯૯
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6