સ્વાધ્યાયનો અર્થ છે – સ્વનું અધ્યયન.
સામાન્ય રીતે આપણે બીજા લોકોનું અને બાહ્યજગતનું અધ્યયન કરતા હોઈએ છીએ, પરંતુ આપણું પોતાનું અધ્યયન કરવાનો આપણને સમય મળતો નથી.
એના પરિણામ સ્વરૂપે આપણી ઉપર બીજા લોકોનો તથા આસપાસના વાતાવરણનો રંગ ચડતો રહે છે. કુવિચારોની ધૂળના કારણે મન મેલું થતું રહે છે અને આપણું જીવન સાંસારિક વિચારોના કીચડમાં ઊંડું ઊતરતું જાય છે. સ્વાધ્યાય આપણને આ ગંદકી તથા સમસ્યામાંથી ઉગારે છે.
જીવનમાં દરેક વસ્તુને નિયમિત સમયે સાફ કરવી પડે છે. ઘરમાં દરરોજ કચરાપોતું કરવું પડે છે. દરરોજ દાતણ, શૌચ, સ્નાન વગેરે દ્વારા આપણા શરીરની સફાઈ કરવી પડે છે. દરરોજ આપણે શરીર તથા ઘરની સફાઈનું તો ધ્યાન રાખીએ છીએ, પરંતુ જ્યારે મનની સ્વચ્છતાની વાત આવે છે ત્યારે મોટાભાગના લોકો એ તરફ ઉદાસીન જોવા મળે છે.
એના પરિણામે મન પર અનેક પ્રકારના વિકારો નિરંતર ચઢતા રહે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે ષડરિપુઓ મન પર ક્યારે પોતાનો અધિકાર જમાવી દે છે તેની ખબર પણ પડતી નથી. કુવિચારો દુર્ભાવનાઓ તથા કુસંસ્કારો મન, બુદ્ધિ તથા ચિત્તને મલિન કરતા રહે છે. પરિણામે જીવનમાં કલહ, કલેશ, રોગ, શોક તથા સંકટો પેદા થતાં રહે છે.
આ રીતે વિકારોથી જકડાયેલું મન મનુષ્યના બંધનનું કારણ બને છે. જો મનને આ બધા દોષોમાંથી મુક્ત કરવામાં આવે તો માણસને વહેલીમોડી મુક્તિ મળી જાય છે. સ્વાધ્યાય આ કાર્યમાં અત્યંત નિર્ણાયક ભૂમિકા નિભાવે છે.
યુગ શક્તિ ગાયત્રી, જૂન ૨૦૨૩